

મહેસાણા, 20 મે (હિ.સ.) : ઓનલાઈન દવાઓના વેચાણ (E-Pharmacy) અને કોર્પોરેટ કંપનીઓના વધતા દખલના વિરોધમાં દેશવ્યાપી આંદોલનના ભાગરૂપે આજે મહેસાણા જિલ્લામાં મેડિકલ સ્ટોર્સ સજ્જડ બંધ રહ્યા હતા. મહેસાણા જિલ્લા મેડિકલ એસોસિએશન દ્વારા આપવામાં આવેલા બંધના એલાનને જિલ્લાના દવા વેપારીઓએ વ્યાપક સમર્થન આપ્યું હતું.
માહિતી અનુસાર મહેસાણા શહેર સહિત જિલ્લાના તમામ તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં આશરે ૧૫૦૦થી વધુ મેડિકલ સ્ટોર્સે પોતાના વ્યવસાય બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો. માત્ર રિટેલ મેડિકલ સ્ટોર્સ જ નહીં પરંતુ મહેસાણાની મુખ્ય હોલસેલ દવા બજાર પણ સંપૂર્ણપણે બંધ રહી હતી, જેના કારણે દવા બજારમાં સામાન્ય દિવસોની સરખામણીએ સંપૂર્ણ શાંતિ જોવા મળી હતી.
દવા વેપારીઓનું કહેવું છે કે ઓનલાઈન દવાઓના વેચાણથી નાના વેપારીઓના રોજગાર પર સીધી અસર પડી રહી છે. ઉપરાંત દર્દીઓને યોગ્ય માર્ગદર્શન વગર દવાઓ ઉપલબ્ધ થતી હોવાના કારણે આરોગ્ય સંબંધિત જોખમો પણ વધી રહ્યા છે. એસોસિએશનના આગેવાનોએ સરકારને E-Pharmacy માટે કડક નિયમો અમલમાં મૂકવા અને સ્થાનિક મેડિકલ સ્ટોર્સના હિતોની રક્ષા કરવા માંગ કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR