
મહેસાણા, 20 મે (હિ.સ.) : રાજ્ય વ્યાપી વિશેષ જાગૃતિ અભિયાન અંતર્ગત મહેસાણા જિલ્લાના મેવડ ગામ ખાતે ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રોત્સાહિત કરવાનો અને જમીનની ફળદ્રુપતા જાળવવા અંગે જાગૃતિ લાવવાનો હતો.
શિબિરમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર ટી. એન. શેઠે ઉપસ્થિત ખેડૂતોને રાસાયણિક ખાતરોના સમતોલ અને સંકલિત ઉપયોગ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે રાસાયણિક ખાતરોના અતિરેક ઉપયોગથી જમીનની ગુણવત્તા તેમજ માનવ સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે. તેથી ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે સમયની જરૂરિયાત બની ગઈ છે.
શેઠે ખાસ કરીને ખેતીમાં ‘ઘન જીવામૃત’ના વધુ ઉપયોગ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ઘન જીવામૃતના ઉપયોગથી જમીનનું સ્વાસ્થ્ય સુધરે છે, સૂક્ષ્મજીવોની સંખ્યા વધે છે અને પાકની ગુણવત્તામાં પણ વધારો થાય છે.
કાર્યક્રમમાં મેવડ તથા આસપાસના ગામોના મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા. ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીની વિવિધ પદ્ધતિઓ અંગે માહિતી મેળવી અને આવનારા સમયમાં વધુ પ્રાકૃતિક ખેતી અપનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR