

મહેસાણા, 20 મે (હિ.સ.) : મહેસાણા જિલ્લાના સદુથલા ગામ ખાતે સખીમંડળના SHG સ્વ સહાય જૂથની બહેનો માટે તાલીમ અને ખેડૂત માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન RCT દ્વારા ફાસ્ટ ફૂડની તાલીમ પૂર્ણ કરનાર બહેનોને સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ગામના આશરે ૩૫ ખેડૂત ભાઈઓ અને બહેનોને કપાસની વાવણી પૂર્વે જમીનની તૈયારી, ગુણવત્તાસભર બીજની પસંદગી અને પાણીનો કાર્યક્ષમ ઉપયોગ થાય તેવી આધુનિક પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખેડૂતોને ઓછી પાણી વપરાશ સાથે વધુ ઉત્પાદન મળે તે માટે વિવિધ કૃષિ પદ્ધતિઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં પ્રાકૃતિક અને જૈવિક ખેતીના મહત્વ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. જેમાં ધન જીવામૃત, સારી રીતે ખોવાયેલું ખાતર, અળસિયાનું ખાતર અને અન્ય જૈવિક આયામોના ઉપયોગથી જમીનની ભેજ ધારણ કરવાની ક્ષમતા વધે છે અને જમીનનું સ્વાસ્થ્ય સુધરે છે તે અંગે માહિતી આપવામાં આવી હતી. ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવાની જરૂરિયાત સ્વીકારી હતી અને તાલીમ મેળવનાર બહેનોએ સ્વરોજગાર માટે મળેલી તક બદલ આનંદ વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR