સિલવાસાની નમો હોસ્પિટલમાં કર્મચારીઓની હડતાલ બાદ સાંસદ કલાબેન ડેલકરને રજૂઆત
સિલવાસા, 20 મે (હિ.સ.) : સિલવાસા સ્થિત નમો મેડિકલ હોસ્પિટલમાં કાર્યરત 250થી વધુ નોન-મેડિકલ આઉટસોર્સિંગ અને કોન્ટ્રેક્ટ આધારિત કર્મચારીઓ સમયસર પગાર નહીં મળતા, વર્ષોથી પગારમાં વધારો ન થતા તથા સ્થાયી ભરતીની માંગ સાથે હડતાલ પર ઉતરી ગયા હતા. કર્મચારીઓએ
નમો મેડિકલ હોસ્પિટલ ખાતે પગાર વિલંબ અને વિવિધ માંગણીઓ મુદ્દે હડતાલ પર ઉતરેલા આઉટસોર્સિંગ અને કોન્ટ્રેક્ટ આધારિત કર્મચારીઓની બેઠક દરમિયાનનો દૃશ્ય.


સિલવાસા, 20 મે (હિ.સ.) : સિલવાસા સ્થિત નમો મેડિકલ હોસ્પિટલમાં કાર્યરત 250થી વધુ નોન-મેડિકલ આઉટસોર્સિંગ અને કોન્ટ્રેક્ટ આધારિત કર્મચારીઓ સમયસર પગાર નહીં મળતા, વર્ષોથી પગારમાં વધારો ન થતા તથા સ્થાયી ભરતીની માંગ સાથે હડતાલ પર ઉતરી ગયા હતા. કર્મચારીઓએ સ્પષ્ટ જણાવ્યું હતું કે જ્યાં સુધી તેમની માંગણીઓ અંગે લેખિત આદેશ આપવામાં નહીં આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે.

હડતાલના કારણે હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને તેમના સગાસંબંધીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કર્મચારીઓએ આક્ષેપ કર્યો હતો કે છેલ્લા પાંચ મહિનાથી પગાર ચૂકવાયો નથી અને કેટલીકવાર તો આઠ-આઠ મહિના સુધી પણ પગાર અટકાવવામાં આવે છે. કેટલાક કર્મચારીઓ છેલ્લા 20 વર્ષથી સેવા આપી રહ્યા હોવા છતાં તેમના પગારમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.

કર્મચારીઓએ જણાવ્યું હતું કે તેઓ દૂરદૂરના ગામડાઓમાંથી રોજિંદા મુસાફરી કરીને નોકરી કરવા આવે છે, જેમાં બસ ભાડામાં જ મોટો ખર્ચ થઈ જાય છે, જ્યારે તેમનો માસિક પગાર ફક્ત ₹8 હજાર જેટલો છે. પગાર નહીં મળતા પરિવારનું ભરણપોષણ, બાળકોના શિક્ષણ સહિતની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. વર્ષ 2023 પછી પગાર વધારો સંપૂર્ણપણે બંધ કરી દેવાયો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો.

કર્મચારીઓએ વધુમાં જણાવ્યું હતું કે તેમને કોઈ લેખિત નિમણૂક આદેશ આપવામાં આવ્યો નથી, ફક્ત આઈકાર્ડ આપવામાં આવ્યા છે. હડતાલ શરૂ થતાં હોસ્પિટલ મેનેજમેન્ટ કર્મચારીઓને સમજાવવા માટે દોડતું થયું હતું, પરંતુ કર્મચારીઓ પોતાની માંગ પર અડગ રહ્યા હતા.

“ખાસ કર્મચારીઓને 30થી 40 હજારનો પગાર”કર્મચારીઓએ આક્ષેપ કર્યો હતો કે દાદરા નગર હવેલી પ્રશાસનને કેન્દ્ર સરકાર તરફથી કરોડો રૂપિયાનું ફંડ મળતું હોવા છતાં નાના કર્મચારીઓના પગાર મામલે બેદરકારી દાખવવામાં આવે છે. હોસ્પિટલ મેનેજમેન્ટ પર કેટલાક “ખાસ” કર્મચારીઓને સારા હોદ્દા પર રાખી ₹30થી ₹40 હજાર સુધીના પગાર આપવામાં આવતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો.

કોંગ્રેસનો ભાજપ પર પ્રહારદાનહ કોંગ્રેસ સમિતિના પ્રદેશ પ્રમુખ પ્રભુ ટોકિયાએ જણાવ્યું હતું કે ભાજપના નેતાઓ નાની બાબતોમાં પણ રેલીઓ કાઢે છે, પરંતુ હાલ નાના કર્મચારીઓ પોતાના હક્ક માટે હડતાલ પર ઉતર્યા હોવા છતાં ભાજપના સાંસદ, જિલ્લા પંચાયત પ્રમુખ અને અન્ય પદાધિકારીઓ મૌન છે. કોંગ્રેસે કર્મચારીઓને ન્યાય અપાવવા સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી.

સાંસદ કલાબેન ડેલકરને કર્મચારીઓની રજૂઆતહડતાલ બાદ નમો મેડિકલ હોસ્પિટલના કોન્ટ્રેક્ટ આધારિત કર્મચારીઓએ દાદરા નગર હવેલીની સાંસદકલાબેન ડેલકર સાથે મુલાકાત કરી પોતાની વિવિધ માંગણીઓ અને સમસ્યાઓ રજૂ કરી હતી. કર્મચારીઓએ વેતન ચુકવણીમાં વિલંબ, વેતન વધારો અને સ્થાયી ભરતી જેવી મુખ્ય માંગણીઓ અંગે વિગતવાર રજૂઆત કરી હતી. સાંસદ કલાબેન ડેલકરે કર્મચારીઓની રજૂઆત ગંભીરતાથી સાંભળી સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી તાત્કાલિક અને સકારાત્મક ઉકેલ લાવવાનો વિશ્વાસ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે હોસ્પિટલ જેવી સંસ્થાઓ જનસેવાનો અત્યંત મહત્વપૂર્ણ ભાગ છે અને સેવાઓ ખોરવાતા સામાન્ય દર્દીઓને સીધી અસર થાય છે.

સાંસદે કર્મચારીઓને સંબોધતા જણાવ્યું હતું કે, “તમામ કર્મચારીઓની સમસ્યાઓ મહત્વપૂર્ણ છે. આ મુદ્દે સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી વહેલી તકે ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. સાથે જ જનહિતને ધ્યાનમાં રાખીને કર્મચારીઓ ફરી ફરજ પર પરત ફરે અને આરોગ્ય સેવાઓ યથાવત રાખવામાં સહયોગ આપે.”

સાંસદના આશ્વાસન બાદ કર્મચારીઓમાં સકારાત્મક માહોલ જોવા મળ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande