રાષ્ટ્રપતિ મુર્મુએ આઈએએસ અધિકારીઓને જણાવ્યું, ભાવુક થયા વિના સંવેદનશીલ બનો
નવી દિલ્હી, 20 મે (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બુધવારે જણાવ્યું હતું કે, વહીવટી અધિકારીઓએ કરુણા અને તર્કસંગતતા વચ્ચે સંતુલન જાળવવું જોઈએ અને સંવેદનશીલ બનવું જોઈએ પરંતુ ભાવુક નહીં. રાષ્ટ્રપતિ ભવનમાં વિવિધ કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોમાં સહા
2024 બેચના ભારતીય વહીવટી સેવા (આઈએએસ) અધિકારીઓના એક જૂથને સંબોધતા રાષ્ટ્રપતિ


નવી દિલ્હી, 20 મે (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બુધવારે જણાવ્યું હતું કે, વહીવટી અધિકારીઓએ કરુણા અને તર્કસંગતતા વચ્ચે સંતુલન જાળવવું જોઈએ અને સંવેદનશીલ બનવું જોઈએ પરંતુ ભાવુક નહીં.

રાષ્ટ્રપતિ ભવનમાં વિવિધ કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોમાં સહાયક સચિવ તરીકે કાર્યરત 2024 બેચના ભારતીય વહીવટી સેવા (આઈએએસ) અધિકારીઓના એક જૂથે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી. આ દરમિયાન રાષ્ટ્રપતિએ અધિકારીઓને સંબોધિત કરતા કહ્યું કે, અખિલ ભારતીય સેવાઓ, ખાસ કરીને આઈએએસ એ દેશના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અને હવે દેશના વિકાસના નવા તબક્કામાં પ્રવેશવાની સાથે અધિકારીઓ પાસેથી અપેક્ષાઓ પણ વધી ગઈ છે.

તેમણે જણાવ્યું કે, યુવા અધિકારીઓને વિવિધ ક્ષેત્રોમાં કામ કરવાની તક મળશે અને ઘણી વખત તેમણે નિષ્ણાતોની ટીમોનું નેતૃત્વ પણ કરવું પડશે. આવા સંજોગોમાં તેમની શીખવાની ગતિ અને કાર્યક્ષેત્ર બંને વ્યાપક હોવા જોઈએ તથા વિવિધ પરિસ્થિતિઓ અને ક્ષેત્રોને અનુરૂપ પોતાની જાતને ઢાળવાની ક્ષમતા અસાધારણ હોવી જોઈએ.

રાષ્ટ્રપતિએ કહ્યું કે, અધિકારીઓની નિષ્પક્ષતા તેમની ન્યાયપ્રિયતાનો સંકેત હશે, જ્યારે તેમની સંવેદનશીલતા સમાવેશિતા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવશે. તેમણે ઉમેર્યું કે પારદર્શિતા અને સતત પ્રદર્શનથી તેમની વિશ્વસનીયતા વધશે તથા વ્યક્તિગત અને વ્યાવસાયિક આચરણ દ્વારા વ્યાખ્યાયિત તેમની પ્રમાણિકતા તેમને લોકહિતમાં નિર્ણાયક પગલાં લેવા માટેનું નૈતિક સાહસ આપશે.

રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, નૈતિકતા અને સુશાસન એ એક જ સિક્કાની બે બાજુઓ છે. અધિકારીઓએ પ્રમાણિક અને નૈતિક હોવાની સાથે-સાથે પરિણામ પણ આપવા પડશે. તેમણે કહ્યું કે નિર્ણય લેવાનું ટાળવું એ નૈતિકતા નથી પરંતુ લોકહિત અને સ્થાપિત વ્યવસ્થાને અનુરૂપ યોગ્ય નિર્ણય લેવો એ જ વાસ્તવિક નૈતિકતા છે.

તેમણે જણાવ્યું કે, જે રીતે ન્યાય મળવામાં વિલંબને ન્યાયથી વંચિત રાખવા સમાન માનવામાં આવે છે, તેવી જ રીતે વહીવટી નિર્ણયોમાં વિલંબ પણ લોકોને તેમના કાયદેસરના અધિકારોથી વંચિત રાખવા સમાન છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે, લોકશાહીનો ઉદ્દેશ્ય લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવાનો છે અને આ આકાંક્ષાઓ તેમના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા સામે આવે છે. તેથી અધિકારીઓની ફરજ છે કે તેઓ લોકહિતમાં લોકપ્રતિનિધિઓ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓને પ્રાથમિકતા આપે.

તેમણે કહ્યું કે, વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા અને સમાજને પ્રગતિના શિખરે પહોંચાડવા માટે અધિકારીઓએ ઘણી વખત પરિસ્થિતિઓની વિપરીત જઈને પણ કામ કરવું પડશે. રાષ્ટ્રપતિએ અધિકારીઓને જણાવ્યું કે, તેઓ સમાજના વંચિત વર્ગો સહિત દેશના લોકોને પોતાના વિચારો અને કાર્યોના કેન્દ્રમાં રાખે.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande