
પાટણ, 20 મે (હિ.સ.) : પાટણ SOGને લૂંટેરી દુલ્હન ટોળકીના એક મુખ્ય સાગરીતને પકડવામાં સફળતા મળી છે. લાંબા સમયથી ફરાર રહેલો આરોપી જીતુ કોદરવીને પાટણ-ચાણસ્મા હાઈવે પર ગદોસણ ચોકડી પાસેથી ઝડપી પાડવામાં આવ્યો છે. આ કેસ પાટણ તાલુકાના ચંદ્રમાણા ગામના ઘનશ્યામ ઠાકોર સાથે થયેલી છેતરપિંડીનો છે. ટોળકીએ લગ્ન કરાવી આપવાના બહાને તેમની પાસેથી રૂ. 2,15,000 પડાવી લીધા હતા અને બાદમાં 29 સપ્ટેમ્બર 2025ના રોજ રેણુકા ગમાર નામની મહિલાથી લગ્ન કરાવવાનો પ્રયાસ કર્યો હતો.
આ મામલે પાટણ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે. તપાસ દરમિયાન SOGને ચોક્કસ બાતમી મળી હતી કે BNS કલમ 318(4) અને 61(2) હેઠળનો મુખ્ય આરોપી ગદોસણ ચોકડી પાસે હાજર છે, જેના આધારે ટીમે વોચ ગોઠવી કાર્યવાહી કરી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ ચાલેલી ખાસ ડ્રાઇવ અંતર્ગત આરોપીને ઝડપી લેવાયો છે. હાલ તેની BNS કલમ 35(1)(j) મુજબ અટકાયત કરવામાં આવી છે અને વધુ કાર્યવાહી માટે તેને પાટણ તાલુકા પોલીસને સોંપવાની પ્રક્રિયા ચાલી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ