


પોરબંદર, 20 મે (હિ.સ.) : આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરભરમાં પ્રિમોન્સૂન કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે. વરસાદી સીઝનમાં શહેરમાં પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય, નાગરિકોને મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તેમજ સ્વચ્છતા અને સુરક્ષા જળવાઈ રહે તે હેતુસર મહાનગરપાલિકાની વિવિધ ટીમો સતત કામગીરીમાં વ્યસ્ત બની છે. મહાનગરપાલિકા દ્વારા ખાસ કરીને શહેરના નાના-મોટા નાળાઓની સફાઈ, વરસાદી પાણીના ઝડપી નિકાલ માટેની વ્યવસ્થા, સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઈનનું મેઈન્ટેનન્સ, પમ્પીંગ સ્ટેશનોના સાધનોની ચકાસણી અને સર્વિસિંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ઉપરાંત શહેરના રસ્તાઓનું યોગ્ય લેવલીંગ કરવામાં આવી રહ્યું છે જેથી વરસાદી પાણીના કારણે રસ્તાઓ પર પાણી ભરાવા કે વાહન વ્યવહારને અવરોધ થવાની પરિસ્થિતિ ઊભી ન થાય. ચોમાસા દરમિયાન કોઈપણ તાત્કાલિક પરિસ્થિતિ સર્જાય તો ઝડપી પ્રતિસાદ આપી શકાય તે માટે મહાનગરપાલિકા દ્વારા જરૂરી મશીનરી, સાધનો અને માનવબળને સજ્જ રાખવાની તૈયારીઓ કરવામાં આવી છે. વિવિધ વિસ્તારોમાં જોખમી સ્થળોની ઓળખ કરી ત્યાં વિશેષ દેખરેખ અને તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.
પોરબંદર શહેરમાં ચાલી રહેલી પ્રિમોન્સૂન કામગીરીની સમિક્ષા માટે તાજેતરમાં મહાનગરપાલિકાના સભાખંડ ખાતે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનર એચ. જે. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં પ્રાંત અધિકારી કચેરી, કમાન્ડીંગ ઓફિસર – ઇન્ડિયન નેવી, એરપોર્ટ ડાયરેક્ટર, મામલતદાર શહેર, સીટી સર્વે સુપ્રીન્ટેન્ડન્ટ, કાર્યપાલક ઈજનેર – ક્ષારઅંકુશ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, નેશનલ હાઈવે ઓથોરીટી, જી.આઈ.ડી.સી.ના પ્રાદેશિક મેનેજર, ડિવિઝનલ રેલવે મેનેજર, પોર્ટ ઓફિસર સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓએ હાજરી આપી હતી.
આ સમિક્ષા બેઠક દરમિયાન શહેરમાં વરસાદી પરિસ્થિતિ દરમિયાન સંકલનપૂર્વક કામગીરી થાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી તેમજ પ્રિમોન્સૂન સંબંધિત બાકી રહેલી તમામ કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી. સાથે જ સંભવિત વરસાદી પરિસ્થિતિમાં નાગરિકોની સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા, પાણી નિકાલ અને તાત્કાલિક બચાવ કામગીરી માટે વિભાગો વચ્ચે સુમેળ જળવાઈ રહે તે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવતી આ પ્રિમોન્સૂન કામગીરી શહેરને ચોમાસા દરમિયાન વધુ સુરક્ષિત, સ્વચ્છ અને સુવ્યવસ્થિત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya