
બોટાદ, 20 મે (હિ.સ.)કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના ૨૦૨૬ દેશના યુવાવર્ગ માટે કૌશલ્ય વિકાસ અને વ્યાવસાયિક અનુભવ મેળવવાની મહત્વપૂર્ણ તક લઈને આવી છે. આ યોજના હેઠળ યુવાઓને પ્રતિષ્ઠિત કંપનીઓમાં ઇન્ટર્નશિપ કરીને કાર્યક્ષેત્રનો વાસ્તવિક અનુભવ મેળવવાનો અવસર મળશે. યોજનાનો મુખ્ય ઉદ્દેશ યુવાનોને ઉદ્યોગ જગત સાથે જોડીને તેમના કૌશલ્યમાં વધારો કરવાનો છે. ધો. ૧૦,૧૨, આઈ.ટી.આઈ., ડિપ્લોમા, સ્નાતક અને અનુસ્નાતક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે આ યોજના ખાસ લાભદાયી બની શકે છે.
પસંદગી પામનાર ઉમેદવારોને સ્ટાઇપેન્ડ, જોડાણ ભથ્થું તથા નિર્ધારિત સમયગાળાની ઇન્ટર્નશિપનો લાભ મળશે. યોજનામાં અરજી કરવા માટે ૧૮થી ૨૫ વર્ષની વયજૂથના, પૂર્ણકાલીન રોજગારથી ન જોડાયેલા ઉમેદવારો પાત્ર ગણાશે. ઇચ્છુક ઉમેદવારોને સત્તાવાર પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
વધુ માહિતી મેળવવા અને ઓનલાઈન અરજી કરવા માટેની વેબસાઈટ:- https://pminternship.mca.gov.in/ તથા હેલ્પલાઇન નં. ૧૮૦૦૧૧૬૦૯૦ પર મુલાકાત લેવી કારકિર્દી નિર્માણ અને વ્યવસાયિક પરિચય માટે આ યોજના યુવાઓ માટે એક વિશેષ તક તરીકે જોવામાં આવી રહી છે. વધુ માહિતી માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બોટાદ પર કચેરી સમય દરમિયાન રૂબરૂ સંપર્ક કરવો. તેમ જિલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદની યાદીમાં જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA