
ભાવનગર, 20 મે (હિ.સ.) : પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ આવેલા વરતેજ રેલવે સ્ટેશન પર રેલવેના ડીઝલ એન્જિનમાંથી 150 લીટર ડીઝલ ચોરી થયાના કેસમાં રેલવે સુરક્ષા બળ (આરપીએફ), ભાવનગર દ્વારા કરવામાં આવેલી ત્વરિત અને અસરકારક કાર્યવાહીના પરિણામે ચાર આરોપીઓને ઝડપીને અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. રેલવે અદાલત, ભાવનગરએ તમામ આરોપીઓને દોષિત ઠરાવી કુલ ₹40,000/- નો દંડ ફટકાર્યો છે.
ઉલ્લેખનીય છે કે તા. 14 જૂન 2025ના રોજ વરતેજ રેલવે સ્ટેશન પર ઉભેલા રેલવે ડીઝલ એન્જિનમાંથી અંદાજે 150 લીટર ડીઝલની ચોરી થયાની ઘટના સામે આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરપીએફ ભાવનગરના ઇન્સ્પેક્ટર કપિલકુમાર ચૌહાણના માર્ગદર્શન હેઠળ એક વિશેષ ટીમની રચના કરવામાં આવી હતી.
આ ટીમમાં ઉપ નિરીક્ષક અશ્વિન વરુ, સહાયક ઉપ નિરીક્ષક રામપ્રતાપ, કોન્સ્ટેબલ ધર્મેશ ડાંગર, કોન્સ્ટેબલ ફૈઝલ પાઠાણ તેમજ ક્રાઇમ બ્રાન્ચના જગદીશ ડાંગરનો સમાવેશ થતો હતો. ટીમે દિવસ-રાત સતત મહેનત, ટેકનિકલ તપાસ અને મળેલી માહિતીના આધારે તા. 10 જુલાઈ 2025ના રોજ ચાર આરોપીઓને ઝડપી પાડ્યા અને ચોરી કરાયેલ 150 લીટર ડીઝલ પણ જપ્ત કર્યું.
ઝડપાયેલા આરોપીઓ વિરુદ્ધ રેલવે સંપત્તિ (ગેરકાયદેસર કબજો) અધિનિયમ, 1966 [Railway Property (Unlawful Possession) Act] ની કલમ 3 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને તેમને માનનીય રેલવે અદાલત, ભાવનગરમાં રજૂ કરવામાં આવ્યા હતા. રેલવે અદાલત, ભાવનગરના ન્યાયાધીશ વાય. પી. શાહે કેસની ત્વરિત સુનાવણી કરીને ચારેય આરોપીઓને દોષિત ઠરાવ્યા અને તેમની સામે કુલ ₹40,000/- નો આર્થિક દંડ ફટકાર્યો.
ડીઝલ ચોરીને ગંભીર આર્થિક ગુનો માનવામાં આવે છે. આવા ગુનાઓ માત્ર સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડતા નથી, પરંતુ રાષ્ટ્રીય સંસાધનોની હાનિ, પુરવઠા વ્યવસ્થામાં અવરોધ અને જાહેર આવક પર પ્રતિકૂળ અસર પણ કરે છે. રેલવે પ્રશાસન આવા ગુનાઓ પ્રત્યે શૂન્ય સહનશીલતાની નીતિ અપનાવી દોષિતો સામે કડક કાનૂની કાર્યવાહી સુનિશ્ચિત કરી રહ્યું છે.
પશ્ચિમ રેલવે યાત્રિયો અને સામાન્ય નાગરિકોને અપીલ કરે છે કે તેઓ રેલવે સંપત્તિના સંરક્ષણમાં સહયોગ આપે અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગેની માહિતી તાત્કાલિક રેલવે સુરક્ષા દળ અથવા રેલવે પ્રશાસનને આપે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ