
સિલવાસા, 20 મે (હિ.સ.) : ભારત ચૂંટણી આયોગના વિશેષ ગહન પુનરીક્ષણ (SIR) સંબંધિત માર્ગદર્શનોના અનુસંધાને સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી તથા દમણ-દીવના મુખ્ય ચૂંટણી અધિકારી કચેરી દ્વારા મતદારોની સુવિધા માટે યુટી સ્તરે વિશેષ હેલ્પડેસ્ક શરૂ કરવામાં આવ્યા છે.
આ હેલ્પડેસ્કનો મુખ્ય હેતુ મતદારોને ચૂંટણી સંબંધિત સેવાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો તેમજ દિવ્યાંગ વ્યક્તિઓ, પ્રવાસી મતદારો, વરિષ્ઠ નાગરિકો અને અન્ય નબળા વર્ગોની સમાવેશક ભાગીદારી સુનિશ્ચિત કરવાનો છે.
હેલ્પડેસ્ક દ્વારા મતદારોને એસઆઈઆર પ્રક્રિયાની સમયમર્યાદા, પાત્રતા માપદંડ અને જરૂરી દસ્તાવેજોની માહિતી આપવામાં આવશે. ઉપરાંત નવા મતદારોનું નોંધણી કાર્ય, મતદાર યાદીમાં સુધારા, નામ કાપવાની અરજી, ઓનલાઈન અને ઓફલાઈન ગણતરી ફોર્મ ભરવા-જમા કરાવવામાં સહાય તેમજ જૂના ચૂંટણી રેકોર્ડ શોધવા અને લિંક કરવાની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે.
પ્રવાસી મતદારોને તેમના હાલના અને અગાઉના વિધાનસભા મતવિસ્તારો ઓળખવામાં માર્ગદર્શન આપવામાં આવશે જેથી યોગ્ય નોંધણી પ્રક્રિયા સરળ બને. સાથે જ ચૂંટણી આયોગના હેલ્પલાઇન નંબર 1950 અને ઈસીઆઈનેટ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ સેવાઓ અંગે પણ જાગૃતિ ફેલાવવામાં આવશે. “બુક અ કોલ વિથ BLO” જેવી સુવિધા અંગે પણ માહિતી આપવામાં આવશે.
સંઘ પ્રદેશના તમામ પાત્ર નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ હેલ્પડેસ્કની સુવિધાનો લાભ લઈ મતદાર યાદીમાં પોતાના નામ અને વિગતો યોગ્ય તથા અપડેટ હોવાનું સુનિશ્ચિત કરે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha