
જામનગર, 20 મે (હિ.સ.) : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના બાબરીયા ગામે મંજૂર લીઝની બહાર ગેરકાયદેસર રીતે પથ્થર ખનન ચાલતું હોવાની બાતમીના આધારે જામનગર એસઓજીએ દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી હતી. કાર્યવાહી દરમિયાન પથ્થર કાઢવાના ત્રણ મશીન કબજે કરવામાં આવ્યા હતા, જ્યારે લાખો રૂપિયાના દંડની કાર્યવાહી શરૂ કરાઈ છે.
મળતી માહિતી મુજબ બાબરીયા ગામમાં સ્કૂલ નજીક આવેલી પથ્થરની ખાણમાં મંજૂરી મળેલી સીમા બહાર ખોદકામ કરી ગેરકાયદેસર રીતે પથ્થર કાઢવામાં આવતો હોવાની હકિકત એસઓજીને મળી હતી. જેના આધારે એસઓજીની ટીમ ખાણ ખનીજ વિભાગ અને લાલપુર પોલીસ સાથે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન નુરમામદ મુંગર અલારખા સમા નામના શખ્સ દ્વારા મંજૂર વિસ્તારની બહાર ખોદકામ કરી પથ્થર કાઢવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું. સ્થળ પરથી પથ્થર કાઢવાના ત્રણ મશીન અંદાજે રૂ.75 હજારની કિંમતના કબજે લેવામાં આવ્યા હતા.
સાથે સાથે મંજૂરી બહાર કેટલું ખોદકામ કરાયું છે તેની માપણી શરૂ કરવામાં આવી છે અને અંદાજે રૂ.8 લાખ જેટલો દંડ વસૂલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર કાર્યવાહી એસઓજીના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt