
- ધોરણ-૧૨માં ૯૦.૮૫ ટકા મેળવી વ્યક્ત કર્યો સરકાર પ્રત્યે આભાર
બોટાદ, 20 મે (હિ.સ.) : બોટાદ જિલ્લાના સાળંગપુર મંદિર ખાતે આવેલા કોન્ફરન્સ હોલમાં ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા “CWC & JJB Sensitization & Training Capacity Building” વિષયક ઝોનલ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ વર્કશોપમાં છ જિલ્લાઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન બાળ સુરક્ષા, બાળ અધિકારો, કાયદાકીય જોગવાઈઓ તેમજ બાળકોને લગતી વિવિધ સરકારી યોજનાઓ અંગે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સરકારની “પાલક માતા-પિતા” યોજનાનો લાભ લઈ અભ્યાસમાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. તેમાં બોટાદ જિલ્લાના ઉગામેડી ગામના વિદ્યાર્થી સૂર્યમ ભડીયાદરાએ ધોરણ-૧૨ની પરીક્ષામાં ૯૦.૮૫ ટકા પ્રાપ્ત કરી સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.
સૂર્યમે જણાવ્યું હતું કે તેઓ સરકારની પાલક માતા-પિતા યોજનાનો લાભ મેળવી રહ્યા છે. યોજના હેઠળ દર મહિને મળતી રૂ.૩૦૦૦ની આર્થિક સહાય તેમના અભ્યાસ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. આ સહાયથી અભ્યાસ માટેની જરૂરી સુવિધાઓ સરળ બની છે તેમજ આગળ વધવાની નવી પ્રેરણા મળી રહી છે.
તેમણે સરકાર પ્રત્યે આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આવી કલ્યાણકારી યોજનાઓ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવા સાથે શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહન પૂરું પાડે છે. આ યોજનાઓના કારણે આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ પણ પોતાના સપનાઓ સાકાર કરવાની દિશામાં આત્મવિશ્વાસપૂર્વક આગળ વધી શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA