
સુરત, 20 મે (હિ.સ.) : ઉધના ખાતે સામાન્ય બોલાચાલીમાં ત્રણ આરોપીઓ દ્વારા યુવક પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. હુમલાનો ભોગ બનેલ યુવકને હોસ્પિટલમાં સારવાર ખસેડવામાં આવ્યા બાદ પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવાનાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર મુળ મધ્ય પ્રદેશનાં ખેતિયાનાં વતની અને છેલ્લા કેટલાક સમયથી ઉધના ખાતે મફત નગર ઝુંપડપટ્ટીમાં વસવાટ કરતાં 31 વર્ષીય વસંત અશોક ઈન્દવે મજુરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. આ વિસ્તારમાં જ રહેતા જીગર વસાવા, ધ્રુવ ઉર્ફે ઢુલી અને મુકેશ નામક ઈસમો અવાર - નવાર ઝઘડો કરતાં હોય વસંત ઈન્દવે દ્વારા તેમને ઝઘડા નહીં કરવા માટે સમજાવવામાં આવ્યા હતા. આ સિવાય વસંતે થોડા સમય પૂર્વે જીગર વસાવા પાસે બાઈક માંગતા તે બાબતે પણ ઝઘડો થયો હતો. આ અદાવતમાં ગત 18મી તારીખે રાત્રે 9 વાગ્યાની આસપાસ મહોલ્લાની પાછળ ખાડી પાસે વસંત ઈન્દવે લઘુશંકા કરીને ઘર તરફ જઈ રહ્યો હતો, ત્યારે જ જીગર, ધ્રુવ અને મુકેશે તેને ઘેરી લીધો હતો અને ગાળાગાળી કરીને તેના પર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો. હુમલા બાદ ઘટના સ્થળેથી નાસી છૂટેલા ત્રણેય આરોપીઓએ મહેશ ઈન્દવેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સમગ્ર ઘટના અંગે હુમલાનો ભોગ બનેલ મહેશ ઈન્દવે દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે