

પોરબંદર, 20 મે (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં ચોમાસા બાદ ખેડૂતો દ્વારા શિયાળુ તેમજ ઉનાળુ પાકનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું હતું. ત્યારે હાલ ઉનાળુ સિઝનમાં મગ, અડદ, ચોળી અને તલ જેવા પાકનું વાવેતર થયું હતું. અનુકૂળ વાતાવરણ અને ખેડૂતોની મહેનતના કારણે આ વર્ષે ઉનાળુ પાકનું ઉત્પાદન સારું મળતાં ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. ઉનાળુ પાકમાં સૌથી વધુ મગનું વાવેતર કરવામાં આવ્યું હતું. ઉત્પાદન સારું મળતાં પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા 15 દિવસ દરમિયાન મગની 4,02,940 કિલોગ્રામ જેટલી નોંધપાત્ર આવક નોંધાઈ હતી.
ઉપરાંત અડદની 50,780 કિલોગ્રામ, ચોળીની 75,650 કિલોગ્રામ તેમજ તલની 3,900 કિલોગ્રામ આવક થતાં યાર્ડમાં વેપાર ગતિવિધિઓમાં તેજી જોવા મળી હતી. ખેડૂતો મોટી સંખ્યામાં પોતાની ઉપજ વેચાણ માટે યાર્ડ સુધી પહોંચતા યાર્ડ વિસ્તારમાં સતત અવરજવર અને ચહલપહલનો માહોલ સર્જાયો હતો. તેમજ માર્કેટિંગ યાર્ડમાં 20 કિલો મગના ભાવ રૂ. 1500 થી 1792 સુધી નોંધાયા હતા. જ્યારે અડદના ભાવ ३. 1505 થી 1565, ચોળી ३. 1300 થી 1650 તેમજ તલના રૂ. 1400 થી 2030 સુધી રહ્યા હતા. વેપારીઓના જણાવ્યા મુજબ ગુણવત્તાસભર માલને યોગ્ય બજારભાવ મળતાં ખેડૂતોને સારો આર્થિક લાભ મળ્યો છે. ઉનાળુ પાકની સિઝન પૂર્ણતાની તરફ આગળ વધી રહી છે ત્યારે હવે ખેડૂતો ચોમાસુ વાવેતરની તૈયારીઓમાં લાગી ગયા છે. મેઘરાજાની કૃપા વરસતા જ જિલ્લામાં મગફળી, કપાસ સહિતના મુખ્ય ચોમાસુ પાકનું વાવેતર શરૂ થશે. હાલ ખેડૂતો ખેતરો તૈયાર કરવા, બિયારણ અને ખાતરની વ્યવસ્થા સહિતની કામગીરીમાં વ્યસ્ત બન્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya