
મહેસાણા, 20 મે (હિ.સ.) : ઊંઝા નગરપાલિકામાં પ્રમુખ સહિત પાંચ મહત્વના હોદ્દાઓની નિમણૂક બાદ સ્થાનિક રાજકારણમાં અસંતોષનો માહોલ સર્જાયો છે. ચૂંટણીને સમરસ બનાવવા માટે મહત્વની ભૂમિકા ભજવનારા આંટા કડવા પાટીદાર સમાજને એક પણ સ્થાન ન મળતાં સમાજના આગેવાનોમાં નારાજગી જોવા મળી રહી છે.
એ.કે.પી. યુવાસંગઠનના મંત્રી અને ભાજપના કાર્યકર મહેન્દ્રભાઈ કે. પટેલે ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ અને મહેસાણા ભાજપ કમિટીને ખુલ્લો પત્ર લખી આક્રોશ વ્યક્ત કર્યો છે. પત્રમાં જણાવાયું છે કે, એપ્રિલ-૨૦૨૬માં યોજાયેલી પાલિકા ચૂંટણીમાં ૨૨ બેઠકો બિનહરીફ બનાવવા માટે સમાજના કાર્યકરો અને આગેવાનોએ ભારે મહેનત કરી હતી, છતાં હોદ્દા વહેંચણી વખતે સમાજને અવગણવામાં આવ્યો છે.
પત્રમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ચૂંટણી દરમિયાન સંગઠન માટે સમાજે આર્થિક અને સામાજિક યોગદાન આપ્યું હતું, પરંતુ સત્તા વહેંચણી વખતે સમરસતાનું પાલન થયું નથી. આ મુદ્દે સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે.
આ સમગ્ર મામલે ઊંઝા ભાજપમાં આંતરિક અસંતોષ વધ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે અને આગામી દિવસોમાં આ મુદ્દો વધુ ગરમાય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR