સફાઈ કામદારોને પાકા ઘરનું સપનું સાકાર કરવા, સરકાર આપશે 1.70 લાખની આર્થિક સહાય
- ડૉ. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના: પ્લીન્થથી લઈ ધાબા સુધીના કામ માટે 4 તબક્કામાં ચૂકવાશે સહાય, મુશ્કેલી પડે તો જિલ્લા કચેરીનો સંપર્ક કરવા અપીલ ગાંધીનગર, 20 મે (હિ.સ.) : ગુજરાત સરકાર દ્વારા રાજ્યના સફાઈ કામદારો અને તેમના આશ્રિતોના આર્થિક અને સામ
પ્રતિકાત્મક તસ્વીર


- ડૉ. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના: પ્લીન્થથી લઈ ધાબા સુધીના કામ માટે 4 તબક્કામાં ચૂકવાશે સહાય, મુશ્કેલી પડે તો જિલ્લા કચેરીનો સંપર્ક કરવા અપીલ

ગાંધીનગર, 20 મે (હિ.સ.) : ગુજરાત સરકાર દ્વારા રાજ્યના સફાઈ કામદારો અને તેમના આશ્રિતોના આર્થિક અને સામાજિક ઉત્થાન માટે‘ડૉ. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના’અમલી છે. જે સફાઈ કામદારો ખુલ્લો પ્લોટ અથવા કાચું મકાન ધરાવે છે, તેમને પોતાનું પાકું રહેણાંક આવાસ બનાવવા માટે ‘ડૉ. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના’ હેઠળ આર્થિક સહાય આપવામાં આવી રહી છે. આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા લાભાર્થીઓને કુલ ₹૧,૭૦,૦૦૦/- (એક લાખ સિત્તેર હજાર) ની સહાય મળવાપાત્ર રહેશે.

ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ, ગાંધીનગરના જિલ્લા મેનેજર અને નાયબ નિયામક ડૉ. ઘનશ્યામ વાઘેલાની યાદીમાં જણાવ્યા અનુસાર, ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન આ યોજનાનો લાભ મેળવવા ઈચ્છતા અરજદારોએ http://esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. પોર્ટલ પર ઉપલબ્ધ માર્ગદર્શિકા અને સૂચનાઓ મુજબ જરૂરી સાધનિક કાગળો (દસ્તાવેજો) માત્ર ઓનલાઈન જ સબમિટ કરવાના રહેશે.

અરજી કરતી વખતે કોઈ પણ અસલ નકલ જમા કરાવવાની નથી, પરંતુ સંબંધિત અધિકારી દ્વારા, જ્યારે સૂચના આપવામાં આવે ત્યારે જ અસલ કોપી રજૂ કરવાની રહેશે.

આ યોજના હેઠળ મળવાપાત્ર ₹૧,૭૦,૦૦૦/- ની કુલ સહાય ચાર પદ્ધતિસરના હપ્તાઓમાં ચૂકવવામાં આવશે. જેમાં પ્રથમ હપ્તો ₹ ૩૦,૦૦૦/- વહીવટી મંજૂરીના હુકમ સાથે, બીજો હપ્તો ₹ ૮૦,૦૦૦/- પ્લીન્થ લેવલ (પાયાનું કામ) પૂર્ણ થયે, ત્રીજો હપ્તો ₹ ૫૦,૦૦૦/- રૂફ કાસ્ટ લેવલ (ધાબાનું કામ) પૂર્ણ થયે અને ચોથો હપ્તો ₹ ૧૦,૦૦/- શૌચાલય સહિતનું આવાસ પૂર્ણ થયેથી ચૂકવવામાં આવશે.

યોજનાનો લાભ મેળવવા ઈચ્છુક અરજદારો સંબંધિત જિલ્લાના નાયબ નિયામક (અ.જા.ક.) અથવા જિલ્લા મેનેજર, ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમની જિલ્લા કક્ષાની કચેરીનો સંપર્ક કરી ઓનલાઈન અરજી કરી શકશે. જિલ્લાના તમામ પાત્રતા ધરાવતા સફાઈ કામદારોને આ યોજનાનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande