
જામનગર, 20 મે (હિ.સ.) : જામનગર શહેરની સરકારી ડેન્ટલ કોલેજમાં સામે આવેલા રૂ.1.36 કરોડના નાણાકીય કૌભાંડ મામલે ફરિયાદ બાદ હવે પોલીસ કાર્યવાહી તેજ બની છે. રોગી કલ્યાણ સમિતિના નાણાંમાં ગેરરીતિ આચરવાના આરોપસર નોંધાયેલા ગુનામાં સંડોવાયેલા કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીને પોલીસે ગણતરીની કલાકોમાં જ દબોચી લઈ ઊંડી તપાસ હાથ ધરી છે.
જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં રોગી કલ્યાણ સમિતિ મારફતે દર્દીઓની સારવાર તેમજ આઉટસોર્સ કર્મચારીઓના પગાર સહિતના ખર્ચ માટે સરકાર તરફથી સહાય ફાળવવામાં આવતી હતી. આ સમિતિના નાણાકીય અને વહીવટી કામકાજની જવાબદારી કોન્ટ્રાક્ટ કર્મચારી શોભીત ગર્ગ ને સોંપાઈ હતી.
આ આરોપીએ સમિતિના સભ્યોની જાણ બહાર જુદા જુદા 15 ચેકમાં રકમમાં ફેરફાર કરી સરકારી નાણાં પોતાના બેંક ખાતામાં જમા કરાવી દીધા હતા. અંદાજે છ માસના ટૂંકા ગાળામાં રૂ.1.36 કરોડથી વધુની રકમ ગેરરીતે ઉપાડી વ્યક્તિગત ઉપયોગમાં લીધી હોવાનું સામે આવ્યું છે.
આ મામલે ડેન્ટલ કોલેજના ટ્યુટર ડો. સંજય ઉમરાણીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પૂરતા પુરાવા મળતાં પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની પૂછપરછ હાથ ધરી છે.
બીજી તરફ, સંસ્થામાં મહત્વની નાણાકીય જવાબદારી કાયમી સ્ટાફના બદલે કોન્ટ્રાક્ટ કર્મચારીને સોંપવામાં આવી હતી અને લાંબા સમય સુધી તેની યોગ્ય દેખરેખ ન રાખવામાં આવતા અનેક સવાલો ઊભા થયા છે. સમગ્ર પ્રકરણમાં કોણ કોણ સંડોવાયેલા છે તે દિશામાં પોલીસે ઊંડી તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt