
સુરત, 20 મે (હિ.સ.): સુરતના લસકાણા વિસ્તારમાં રહેતી 47 વર્ષીય પ્રજ્ઞાચક્ષુ મહિલાએ પોતાના લિવ-ઈન પાર્ટનર વિજય શર્મા સામે યૌનશોષણ અને દીકરીને સોશિયલ મીડિયા પર બદનામ કરવાનો આરોપ લગાવી ફરિયાદ નોંધાવી છે. મહિલા મૂળ રાજસ્થાનની રહેવાસી છે અને છેલ્લા સાત વર્ષથી વિજય શર્મા સાથે લિવ-ઈનમાં રહેતી હતી. મહિલાનો પતિ અમદાવાદમાં રહેતો હોવાનું સામે આવ્યું છે, જ્યારે વિજય શર્મા રિક્ષા ચલાવી મહિલાના પરિવારનું ભરણપોષણ કરતો હતો.
માર્ચ મહિનામાં મહિલા પોતાની ચાર પુત્રીઓ સાથે રાજસ્થાન ગઈ બાદ બંને વચ્ચે મતભેદો શરૂ થયા હતા. વિજય શર્માએ મહિલાની એક પુત્રીના વર્તન અંગે વાંધો ઉઠાવતા ફોન પર જ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ આરોપી અને તેના પરિવારજનોએ યુવતી અંગે સોશિયલ મીડિયા પર વાંધાજનક ટિપ્પણીઓ કરી હોવાનું કહેવાય છે, જેના કારણે મામલો વધુ ગરમાયો હતો.
આ ઘટનાને લઈને મહિલાએ રાજસ્થાનના ધોલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ગુનાનું સ્થળ સુરત હોવાથી કેસ ઝીરો નંબરથી લસકાણા પોલીસને ટ્રાન્સફર કરાયો હતો. જોકે, સુરતમાં કાર્યવાહી દરમિયાન મહિલાએ મેડિકલ તપાસ કરાવવાનો ઇનકાર કરતા તપાસમાં નવો વળાંક આવ્યો છે. હાલ પોલીસ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને આરોપી સહિત તેના પરિવારજનોની પૂછપરછ બાદ વધુ વિગતો બહાર આવવાની શક્યતા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે