
સુરત, 20 મે (હિ.સ.) : સુરત જિલ્લાના બારડોલી તાલુકાના તરભોણ ગામ સ્થિત નેક્ષોન પેપર મીલ કંપનીમાં કામ દરમિયાન એક મજૂર ગંભીર રીતે દાઝી જવાનો બનાવ સામે આવ્યો છે. ઘટનાને લઇ બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નોંધ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લાના રહેવાસી અને હાલ તરભોણ ગામ ખાતે આવેલી નેક્ષોન કંપનીની લેબર કોલોનીમાં રહેતા રાજુભાઇ રામસેવક ડામીયા કંપનીમાં મજૂરી કામ કરે છે. ગત 19 મેના રોજ મધરાત્રીના સમયે તેઓ પાવડર પકવવાની ટાંકીમાં પાવડર નાખવાનું કામ કરી રહ્યા હતા. તે દરમિયાન ટાંકીમાંથી પેપર બનાવવાનું રો મટીરીયલ બહાર આવવા લાગ્યું હતું. જેથી રાજુભાઇ ઓપરેટરને જાણ કરવા જતાં હતા. ત્યારે નીચે પડેલા રો મટીરીયલ ઉપર પગ લપસતા તેઓ સીધા જ તેમાં પડી ગયા હતા. ઘટનામાં તેમના જમણા હાથના કાંડા, બન્ને પગની એડી તથા કમરથી નીચેના પાછળના ભાગે ગંભીર દાઝાની ઇજા પહોંચી હતી. બનાવ બાદ તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે બારડોલી રૂરલ પોલીસે જાણવા જોગ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે