
ભાવનગર, 21 મે (હિ.સ.) ભારત સરકાર દ્વારા રાષ્ટ્રના સુવ્યવસ્થિત આયોજન અને ભાવી પ્રગતિના હેતુથી શરૂ કરાયેલા ‘સ્વ વસતી ગણતરી - 2027 ’ મહાઅભિયાનનો ડિજિટલ પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત જિલ્લા કલેક્ટર ડૉ. મનિષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને ઓનલાઇન ‘સ્વ-ગણતરી’(Self-Enumeration) કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ રાષ્ટ્રીય કાર્યમાં કલેક્ટર કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લઈ ઓનલાઈન પોર્ટલ પર પોતાના પરિવારની વિગતો સબમિટ કરીને એક અનુકરણીય પહેલ કરી છે.જિલ્લા આયોજન હોલ ખાતે આયોજિત આ સેસન દરમિયાન ટેકનિકલ ટીમ દ્વારા ઓનલાઇન પોર્ટલના વપરાશ અંગે ઉપસ્થિત કર્મચારીઓને માર્ગદર્શન અપાયુ હતુ અને કલેક્ટરની પ્રેરણાથી અધિકારીઓ અને કર્મચારીઓએ મોબાઈલના માધ્યમથી લૉગ-ઇન કરી ગણતરીની પ્રક્રિયા લાઈવ પૂર્ણ કરી હતી
.આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર એન.ડી.ગોવાણી, વિવિધ વિભાગના વડાઓ તેમજ મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ સ્ટાફે ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરી સ્થળ પર જ ઉત્સાહપૂર્વક પોતાની વિગતો ડિજિટલ પોર્ટલ પર અપલોડ કરી રાષ્ટ્રીય કર્તવ્ય નિભાવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA