

કચ્છ, 21 મે (હિ.સ.) અંદરથી બંધ ઘરમાં મળ્યા બે મૃતદેહ, CCTV ફૂટેજે ખોલી કરુણ ઘટનાનું રહસ્ય. ભુજ શહેરના રવાણી ફળિયામાં બનેલી હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોક અને ચકચાર ફેલાવી દીધી છે. અંદરથી બંધ રહેલા ઘરમાં 68 વર્ષીય માતા અને તેમના 35 વર્ષીય દિવ્યાંગ પુત્રના મૃતદેહ મળી આવતા પ્રાથમિક રીતે રહસ્યમય લાગતી ઘટના બાદ પોલીસ તપાસમાં કરુણ હકીકત સામે આવી છે. ઘરના અંદરના CCTV ફૂટેજના આધારે માતાના સંભવિત હૃદયરોગના હુમલા બાદ સહારા વિના રહેલા દિવ્યાંગ પુત્રનું પણ દુર્ભાગ્યપૂર્ણ રીતે મોત થયાનું બહાર આવ્યું છે.
મળતી વિગતો અનુસાર, રસીલા પ્રફુલ્લચંદ્ર બારમેડા પોતાના દિવ્યાંગ પુત્ર ભરત બારમેડા સાથે રહેતા હતા. પરિવારે અગાઉ પણ અનેક આઘાતો સહન કર્યા હતા. વર્ષો પહેલાં પુત્ર સાગરનું આકસ્મિક અવસાન થતા પરિવાર પર દુઃખનું વાદળ છવાયું હતું. ત્યારબાદ પતિ પ્રફુલ્લચંદ્રભાઈના અવસાનથી રસીલાબેન અને પેરાલિસીસગ્રસ્ત ભરત એકબીજાના આધાર બની જીવતા હતા. ઘરનું ગુજરાન વ્યાજની આવક પરથી ચાલતું હતું અને દૈનિક કામકાજ માટે ટિફિન સેવા તથા કામવાળી બહેનની મદદ લેવામાં આવતી હતી.
ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે રોજની જેમ સવારે કામવાળી બહેન ઘરે પહોંચ્યા છતાં લાંબા સમય સુધી દરવાજો ન ખુલ્યો. અનેકવાર બૂમો પાડવા છતાં અંદરથી કોઈ પ્રતિસાદ ન મળતા પાડોશીઓ અને પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. પરિસ્થિતિ ગંભીર જણાતા પોલીસ અને ફાયર વિભાગને પણ બોલાવવામાં આવ્યા હતા. આખરે દરવાજાનો લોક તોડી ટીમ અંદર પ્રવેશી હતી.
ઘરમાં પ્રવેશતા જ ડ્રોઇંગરૂમમાં ટેબલ પાસે રસીલાબેન બેભાન હાલતમાં પડેલા જોવા મળ્યા હતા, જ્યારે બેડરૂમમાં દિવ્યાંગ ભરત મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. એક સાથે બે મોતના દ્રશ્યથી પરિવારજનો સહિત આસપાસના લોકો સ્તબ્ધ બની ગયા હતા. થોડા જ સમયમાં સમગ્ર વિસ્તારમાં આ ઘટનાની ચર્ચા શરૂ થઈ ગઈ હતી.
તપાસ દરમિયાન પોલીસે ઘરના CCTV ફૂટેજની તપાસ કરતા સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો હતો. ફૂટેજ મુજબ રસીલાબેનને અચાનક સંભવિત હૃદયરોગનો હુમલો આવતા તેઓ ડ્રોઇંગરૂમમાં ટેબલ પાસે ઢળી પડ્યા હતા. ત્યારબાદ વહેલી સવારે ઊંઘમાંથી જાગેલા ભરતે માતાને અવાજ આપ્યો હતો, પરંતુ કોઈ જવાબ ન મળતા તે ગભરાઈ ગયો હતો. દિવ્યાંગ હોવા છતાં માતા સુધી પહોંચવાનો પ્રયાસ કરતી વખતે તે પથારીમાંથી ઊભો થવા ગયો હતો અને દરમિયાન ડ્રેસિંગ ટેબલ સાથે ગળાના ભાગે જોરદાર અથડાયો હતો. ગંભીર ઇજા થતા લાંબા સમય સુધી પીડાતા અંતે તેનું પણ કરુણ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.
સવારે અંદાજે 6 વાગ્યાથી 10 વાગ્યા વચ્ચેનો સમગ્ર ઘટનાક્રમ CCTVમાં કેદ થયો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વિસેરા સેમ્પલ લેવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ અંતિમ રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. હાલ એ-ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.આ કરુણ ઘટનાએ માનવ જીવનની એકલતા અને લાચારીનું દુઃખદ ચિત્ર શહેર સમક્ષ મૂકી દીધું છે.
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar