
- બાળ સુરક્ષા અને પોકસો કેસોની સમીક્ષા કરી.
પાટણ, 21 મે (હિ.સ.) : ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ આયોગના અધ્યક્ષા ધર્મિષ્ઠાબેન ગજર એ પાટણ જિલ્લાના બી-ડિવિઝન અને સરસ્વતી પોલીસ સ્ટેશનોની ઓચિંતી મુલાકાત લઈને બાળ સુરક્ષા અને પોકસો કેસોની સમીક્ષા કરી હતી. તેમણે પોલીસ સ્ટેશનોમાં બાળકો માટે ‘ચાઇલ્ડ ફ્રેન્ડલી રૂમ’ની સુવિધા તાત્કાલિક શરૂ કરવા સૂચના આપી હતી. મુલાકાત દરમિયાન અધ્યક્ષાએ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી બાળ અધિકાર અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટના અમલ અંગે માહિતી મેળવી હતી. સાથે જ નોંધાયેલા પોકસો કેસોની તપાસ અને બાળકો સાથે સંવેદનશીલ વ્યવહાર રાખવા પોલીસ સ્ટાફને માર્ગદર્શન આપ્યું હતું.
સરસ્વતી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે પાટણ જિલ્લામાં 15 થી 18 વર્ષની સગીર દીકરીઓ ઘરેથી ભાગી જવાના કેસોમાં વધારો થયો છે, જેમાં ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયાનો પ્રભાવ મુખ્ય કારણ બની રહ્યો છે. બેઠકમાં બાળ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેશ જોષી સહિત અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ