સાવરકુંડલાના માનવ મંદિર આશ્રમની સેવાકીય કામગીરીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરાહના
અમરેલી, 21 મે (હિ.સ.) : સાવરકુંડલા સ્થિત માનવ મંદિર આશ્રમ છેલ્લા અનેક વર્ષોથી મનોરોગી અને નિરાધાર બહેનોની નિસ્વાર્થ સેવા કરીને સમાજમાં માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. આશ્રમના ભક્તિ બાપુ દ્વારા છેલ્લા 13 વર્ષથી સતત ચાલી રહેલી આ સેવાકીય
સાવરકુંડલાના માનવ મંદિર આશ્રમની સેવાકીય કામગીરીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરાહના


અમરેલી, 21 મે (હિ.સ.) : સાવરકુંડલા સ્થિત માનવ મંદિર આશ્રમ છેલ્લા અનેક વર્ષોથી મનોરોગી અને નિરાધાર બહેનોની નિસ્વાર્થ સેવા કરીને સમાજમાં માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. આશ્રમના ભક્તિ બાપુ દ્વારા છેલ્લા 13 વર્ષથી સતત ચાલી રહેલી આ સેવાકીય કામગીરીને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા વિશેષ બિરદાવવામાં આવી છે. મુખ્યમંત્રીએ ભક્તિ બાપુને પત્ર લખી આશ્રમ દ્વારા કરવામાં આવતી માનવતાભરી કામગીરીની પ્રશંસા વ્યક્ત કરી હતી.

માનવ મંદિર આશ્રમમાં માનસિક રીતે અસ્વસ્થ અને પરિવારથી વિખૂટા પડેલી બહેનોને વિનામૂલ્યે આશરો, સારવાર, ભોજન અને સંભાળ આપવામાં આવે છે. આશ્રમ દ્વારા અત્યાર સુધીમાં અંદાજે 135 જેટલી મનોરોગી બહેનોને સ્વસ્થ બનાવી તેમના પરિવાર સાથે પુનઃસ્થાપિત કરવામાં સફળતા મળી છે. આ કામગીરી માત્ર સેવા નહીં પરંતુ સમાજ માટે પ્રેરણારૂપ કાર્ય તરીકે જોવામાં આવી રહી છે.

હાલ આશ્રમમાં દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલી આશરે 58 જેટલી બહેનો રહે છે અને તેમની સારવાર તથા સંભાળ લેવામાં આવી રહી છે. આશ્રમમાં છેલ્લા 12 વર્ષથી નિયમિત મનોચિકિત્સકની સેવા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી હોવાનું મુખ્યમંત્રીના પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેના કારણે બહેનોના આરોગ્ય અને માનસિક સ્થિતિમાં સકારાત્મક ફેરફાર જોવા મળી રહ્યો છે.

સામાન્ય રીતે સમાજથી તિરસ્કૃત અને અવગણના ભોગવતી મહિલાઓ માટે માનવ મંદિર આશ્રમ આશાનું કેન્દ્ર બની રહ્યું છે. ભક્તિ બાપુ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવતી આ નિસ્વાર્થ સેવા કામગીરીને સ્થાનિક લોકો તેમજ સામાજિક આગેવાનો દ્વારા પણ ખૂબ સરાહના મળી રહી છે. સમાજમાં માનવતા અને સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતું આ આશ્રમ આજે સમગ્ર રાજ્ય માટે પ્રેરણાસ્ત્રોત બન્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande