

પાટણ, 21 મે (હિ.સ.) : પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર એ ગુરુવારે ટેલિફોન એક્સચેન્જ વિસ્તારની સોસાયટીઓના પ્રમુખો સાથે બેઠક યોજી હતી. બેઠકમાં કેનાલમાં ફેલાતી ગંદકી અને ચોમાસામાં વરસાદી પાણીના નિકાલની સમસ્યાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. મહિલા નગરસેવિકા ચેતનાબેન પ્રજાપતિ પણ ઉપસ્થિત રહ્યા હતા.
સોસાયટીના પ્રમુખોએ કેનાલમાં ભરાતા દૂષિત પાણી અને વરસાદી પાણીના નિકાલની સમસ્યાઓ રજૂ કરી હતી. ચીફ ઓફિસરે જણાવ્યું કે કેનાલમાં ગંદકી ન ફેલાય તેની જવાબદારી સૌની છે. તેમણે કહ્યું કે કેનાલ વચ્ચેથી પસાર થતી પાણી અને ગટરની લાઈનોને કારણે સફાઈ કામગીરીમાં મુશ્કેલી સર્જાય છે.
હિરલબેન ઠાકરે ચોમાસા પહેલાં કેનાલ વચ્ચેથી પસાર થતી લાઈનો ડાયવર્ટ કરીને કેનાલની સંપૂર્ણ સફાઈ કરવાની ખાતરી આપી હતી. સાથે જ વરસાદી પાણીના નિકાલ માટેની ચેમ્બરો પણ સાફ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
બેઠકમાં પાલિકાના અધિકારીઓ, સ્ટાફ અને વિસ્તારની વિવિધ સોસાયટીઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા સુવ્યવસ્થિત આયોજન કરવાની પણ ખાતરી આપવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ