
અમરેલી, 21 મે (હિ.સ.) : સાવરકુંડલા ખાતે ક્રિકેટપ્રેમીઓ માટે આયોજિત નાવલી પ્રીમિયર લીગ સીઝન-૨ (NPL) નો ભવ્ય શુભારંભ ઉત્સાહ અને ભારે જનમેદની વચ્ચે કરવામાં આવ્યો હતો. લોકપ્રિય ધારાસભ્ય હસ્તે દીપ પ્રાગટ્ય કરીને ટૂર્નામેન્ટનો પ્રારંભ કરાયો હતો. આ ક્રિકેટ મહાકુંભને લઈને સમગ્ર શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને નાવલી પ્રીમિયર લીગ હાલ “ટોક ઓફ ધ ટાઉન” બની ગઈ છે.
આ વર્ષે સાવરકુંડલા વિધાનસભા વિસ્તારમાંથી કુલ ૪૮ ટીમો ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે. ખાસ વાત એ રહી કે ટૂર્નામેન્ટના પ્રથમ દિવસે સાવરકુંડલા શહેરની મહિલા ક્રિકેટ ખેલાડીઓની બે ટીમો વચ્ચે પ્રથમ મેચ રમાઈ હતી. મહિલા ક્રિકેટરો દ્વારા રમાયેલી આ રોમાંચક મેચમાં ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ જોવા મળ્યો હતો, જેના કારણે સમગ્ર મેદાન તાળીઓ અને હર્ષધ્વનિથી ગુંજી ઉઠ્યું હતું. મહિલા ખેલાડીઓના જબરદસ્ત પ્રદર્શનને દર્શકોએ ભારે વધાવી લીધું હતું.
ટૂર્નામેન્ટ દરમિયાન વિવિધ ટીમો વચ્ચે રસપ્રદ અને કાંટાની ટક્કરના મુકાબલાઓ શરૂ થયા છે. આયોજકો દ્વારા ખેલાડીઓ અને દર્શકો માટે ઉત્તમ આયોજન તથા જરૂરી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. રમતગમત પ્રત્યે યુવાનોમાં નવી ઉર્જા અને ઉત્સાહ ફેલાય તેવા હેતુથી આ ક્રિકેટ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હોવાનું આયોજકોએ જણાવ્યું હતું.
આ પ્રસંગે ચેરમેન દીપક માલાણી, શહેર ભાજપ પ્રમુખ અનિરુદ્ધસિંહ રાઠોડ, નગરપાલિકા પ્રમુખ નયના કાપડિયા, તાલુકા ભાજપ પ્રમુખ રજની ડોબરિયા સહિત ભાજપ સંગઠનના હોદ્દેદારો, નગરપાલિકા અને પંચાયતના સભ્યો તેમજ મોટી સંખ્યામાં ક્રિકેટપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai