
અમરેલી, 21 મે (હિ.સ.) : સાવરકુંડલા તાલુકાના દેતડ, ખોડીયાણા અને ધજડી ગામોમાં આજે વિવિધ વિકાસલક્ષી કાર્યોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કાર્યક્રમો યોજાયા હતા. ધારાસભ્ય મહેશ કસવાલાના હસ્તે કુલ રૂપિયા 2.65 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગ્રામ્ય વિસ્તારોમાં આધુનિક સુવિધાઓ અને મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું થાય તે માટે હાથ ધરાયેલા આ વિકાસ કાર્યોને લઈને ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
દેતડ ગામે રૂપિયા 25 લાખના ખર્ચે નિર્માણ પામેલી નવી ગ્રામ પંચાયત કચેરી (ગ્રામ સચિવાલય) નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નવી કચેરીથી ગામના નાગરિકોને વધુ સુવિધાજનક અને સુવ્યવસ્થિત વહીવટી સેવાઓ ઉપલબ્ધ બનશે. ગામના વિકાસ કાર્યો તેમજ સરકારી યોજનાઓનો લાભ લોકોને સરળતાથી મળી રહે તે માટે આ કચેરી મહત્વપૂર્ણ સાબિત થશે.
ખોડીયાણા-બગોયા ગામ વચ્ચે રૂપિયા 1 કરોડ 20 લાખના ખર્ચે બનનાર નોન પ્લાન રોડ, સીસી રોડ તેમજ નાળાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ માર્ગના નિર્માણથી સ્થાનિક લોકોને અવરજવર માટે વધુ સુવિધા મળશે અને વરસાદી પાણીના નિકાલની સમસ્યામાં પણ રાહત મળશે. આ ઉપરાંત ધજડી ગામે રૂપિયા 1 કરોડ 20 લાખના ખર્ચે બનેલા બોઘરયાણી માઇનોર બ્રિજ, પ્રોટેક્શન વોલ તેમજ સીસી રોડના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ વિકાસ કાર્યો ગામના વાહન વ્યવહારને વધુ સુરક્ષિત અને સરળ બનાવવામાં મદદરૂપ થશે.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનો દ્વારા રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા ગામડાઓમાં કરવામાં આવી રહેલા વિકાસ કાર્યોને ગ્રામ વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાવી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ પ્રસંગે સ્થાનિક આગેવાનો, ગ્રામજનો, કાર્યકર્તાઓ તથા અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai