
સુરત, 21 મે (હિ.સ.) : જહાંગીરપુરામાં રહેતા જ્વેલર્સને સોનાનાં ઘરેણાની સામે ગોલ્ડ બાર આપવાનું કહીને રાજસ્થાનનાં ઠગ દ્વારા 23 લાખ રૂપિયાનાં ઘરેણાં લીધા બાદ નકલી ગોલ્ડ બાર પધરાવી દીધા હતા. અલબત્ત, ગોલ્ડ બારની ખરાઈ કરાવતાં તે નકલી હોવાનો ઘટસ્ફોટ થતાં જ્વેલર્સ પોતે ઠગાઈનો ભોગ બન્યો હોવાની જાણ થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર મુળ અમરેલી જિલ્લાનાં સાવરકુંડલાનાં વતની અને 38 વર્ષીય મહેશ સવજી જીકાદરા જ્વેલર્સનાં વ્યવસાય સાથે સંકળાયેલા છે અને શહેરનાં જહાંગીરપુરા ખાતે નક્ષત્ર નેબ્યુલામાં પરિવારજનો સાથે વસવાટ કરે છે. થોડા સમય પૂર્વે તેમનો સંપર્ક અભિષેક જૈન સાથે થયો હતો અને તેણે રાજસ્થાન ખાતે અંબિકા ગોલ્ડનાં નામે સોનાનાં ઘરેણાંનો હોલસેલનો વેપાર કરતાં અશોક જૈન સાથે પરિચય કરાવ્યો હતો. વાતચીત દરમિયાન આરોપીઓએ પોતાની પાસે રહેલ ગોલ્ડ બારની જગ્યાએ મહેશ જીકાદરા પાસેથી સોનાનાં ઘરેણાં લેવા માટે જણાવ્યું હતું. જેને પગલે ગત 15મી તારીખ કતારગામ ખાતે આવેલ લિંબાચીયા ફળિયામાં નેમીનાથ એપાર્ટમેન્ટમાં અભિષેક જૈન પહોંચ્યા હતા અને ત્યાં મહેશ જીકાદરા પાસેથી રહેલ 22.98 લાખ રૂપિયાની કિંમતની 146 ગ્રામ સોનાની 30 નંગ વિંટી ખરીદીને તેની જગ્યાએ 100 - 100 ગ્રામનાં ગોલ્ડ બાર મહેશ જીકાદરાને આપ્યા હતા. ગોલ્ડ બાર પર કંપનીનું નામ અને પ્યોરીફિકેશન હોવાને કારણે પહેલા તો મહેશ જીકાદરાએ વિશ્વાસ કરી લીધો હતો. અલબત્ત, બાદમાં આ ગોલ્ડ બારનું ટેસ્ટિંગ કરાવતાં તેમાં સોનાની જગ્યાએ કોપર અને ઝીંક નિકળ્યું હતું. ઠગાઈનો ભોગ બનેલ મહેશ જીકાદરાએ રાજસ્થાનનાં ઠગ વેપારી અશોક જૈન અને ઘરેણાંની ડિલીવરી લેવા માટે પહોંચેલ અભિષેક જૈન વિરૂદ્ધ કતારગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
--------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે