ભચાઉ પોલીસની ત્વરિત કાર્યવાહીથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, આરોપી ફરાર
કચ્છ, 21 મે (હિ.સ.) : પૂર્વ કચ્છના ભચાઉ વિસ્તારમાં પ્રોહીબીશન સંબંધિત ગુનાઓ સામે પોલીસ દ્વારા સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લા પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશનની ટીમે વધુ એક સફળ કામગીરી અંજામ આપી છે, જ
ભચાઉ પોલીસની ત્વરિત કાર્યવાહીથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, આરોપી ફરાર


કચ્છ, 21 મે (હિ.સ.) : પૂર્વ કચ્છના ભચાઉ વિસ્તારમાં પ્રોહીબીશન સંબંધિત ગુનાઓ સામે પોલીસ દ્વારા સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લા પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશનની ટીમે વધુ એક સફળ કામગીરી અંજામ આપી છે, જેમાં વિદેશી દારૂના જથ્થા સાથે એક કાર કબ્જે કરવામાં આવી છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા.

પેટ્રોલિંગ દરમિયાન પોલીસને ખાનગી સૂત્રો મારફતે માહિતી મળી હતી કે ભચાઉના બટીયા વિસ્તારમાં રહેતો અલીમામદ મામદ કુંભાર પોતાના મદિના નગર સ્થિત મકાનના આંગણામાં પાર્ક કરેલી સ્વિફ્ટ કારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો છુપાવી રાખ્યો છે. માહિતીના આધારે પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન સ્વિફ્ટ કાર નંબર GJ-12-CG-8442 માંથી વિવિધ બ્રાન્ડનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે એવરગ્રીન રિઝર્વ વ્હિસ્કી, મોબી વોડકા, વાઈટ લેક વોડકા, ઓફિસર ચોઇસ પ્રાઈમ વ્હિસ્કી તેમજ કિંગફિશર અને ટુબર્ગ જેવી પ્રીમિયમ બિયરની ટીન મળી કુલ અંદાજે રૂ. 3.20 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જેમાં કારની કિંમતનો પણ સમાવેશ થાય છે. આ મામલે પોલીસે પ્રોહીબીશન અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે મુખ્ય આરોપી અલીમામદ મામદ કુંભાર હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે અને તેને ઝડપી પાડવા માટે પોલીસે વધુ તપાસ અને શોધખોળ શરૂ કરી છે.

ભચાઉ પોલીસની આ કાર્યવાહીથી વિસ્તારમાં પ્રોહીબીશન સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંકળાયેલા તત્વોમાં ખળભળાટ મચી ગયો છે. જિલ્લા પોલીસ દ્વારા આવા ગુનાઓ સામે આગામી સમયમાં પણ સતત અભિયાન ચાલુ રહેશે તેવી માહિતી પોલીસ સૂત્રોએ આપી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande