




કચ્છ, 21 મે (હિ.સ.) : કચ્છના દરિયાકાંઠાની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે મરીન પોલીસ દ્વારા કોટેશ્વર વિસ્તારમાં વિશાળ સ્તરે ‘સઘન કોસ્ટલ પેટ્રોલિંગ’ હાથ ધરવામાં આવ્યું હતું. રાજ્યની દરિયાઈ સુરક્ષા વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા તેમજ કાંઠા વિસ્તારમાં કોઈપણ પ્રકારની શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર કડક નજર રાખવાના હેતુસર આ વિશેષ ઓપરેશન યોજાયું હતું.
નાયબ પોલીસ અધિક્ષક અને મરીન સેકટર લીડરની કચેરી, કોટેશ્વરના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ પેટ્રોલિંગ અભિયાનમાં મરીન પોલીસના અધિકારીઓ અને મરીન કમાન્ડોની અલગ અલગ ટીમોએ સક્રિય ભાગ લીધો હતો. અધિક પોલીસ મહાનિદેશક અમિતકુમાર વિશ્વકર્મા તથા નાયબ પોલીસ મહાનિરિક્ષક (દરિયાઈ સુરક્ષા) એ.એમ. મુનિયાના માર્ગદર્શન અને પોલીસ અધિક્ષક તથા મરીન સેકટર કમાન્ડર એસ.જે. પરમારના સુચનાનુસાર સમગ્ર કાર્યવાહી હાથ ધરાઈ હતી.
મળતી વિગતો મુજબ બેબી કા કુવા થી હિરણા વિસ્તાર સુધી અંદાજે પાંચ કિલોમીટરથી વધુ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મરીન પોલીસ અને કમાન્ડોની ટીમોએ દરિયાકાંઠાના સંવેદનશીલ વિસ્તારોમાં સતત મોનિટરિંગ કરી શંકાસ્પદ ઇસમો, વાહનો અને બોટોની ચકાસણી હાથ ધરી હતી. ઉપરાંત અવાવરુ સ્થળો, દરિયાકાંઠાના સૂના વિસ્તારો તથા સંભવિત સંવેદનશીલ પોઈન્ટ્સ પર પણ ખાસ તપાસ કરવામાં આવી હતી.
સુરક્ષા એજન્સીઓ દ્વારા આતંકવાદી પ્રવૃત્તિઓ, ડ્રગ્સની હેરાફેરી, દાણચોરી, કેફી પદાર્થોના ગેરકાયદેસર વેપાર તેમજ ડ્રોન જેવી શંકાસ્પદ ગતિવિધિઓ અટકાવવા માટે સતત ચેકિંગ અને પેટ્રોલિંગ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. દરિયાઈ માર્ગનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ન ફેલાય તે માટે મરીન પોલીસ દ્વારા કચ્છના કાંઠા વિસ્તારમાં નિયમિત સતર્કતા જાળવવામાં આવી રહી છે.
મરીન પોલીસના અધિકારીઓએ જણાવ્યું હતું કે દરિયાઈ સુરક્ષાને લઈને કોઈપણ પ્રકારની બેદરકારી ન રાખવામાં આવે અને કાંઠા વિસ્તાર સંપૂર્ણપણે સુરક્ષિત રહે તે માટે આગામી દિવસોમાં પણ આવી કામગીરી વધુ સઘન બનાવવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar