
કચ્છ, 21 મે (હિ.સ.) : પશ્ચિમ કચ્છ જિલ્લામાં દરિયાઈ વિસ્તારમાં થતી ગેરકાયદેસર હેરફેર અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા માટે પોલીસ તંત્ર વધુ સક્રિય બન્યું છે. સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તથા પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ અધિક્ષક વિકાસ સુંડા દ્વારા આપવામાં આવેલી સુચનાઓના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સતત દેખરેખ અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
આ જ અભિયાન અંતર્ગત માંડવી મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને મોઢવા ગામ ખાતે એક શંકાસ્પદ બોટ અંગે બાતમી મળી હતી. મળેલી ચોક્કસ અને વિશ્વસનીય માહિતીના આધારે એલસીબીના અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન હારૂન ઈસ્માઈલ ચાવડા નામનો વ્યક્તિ એક બોટ સાથે મળી આવ્યો હતો. પોલીસે બોટ સંબંધિત દસ્તાવેજો, ખરીદીના બિલ તેમજ રજીસ્ટ્રેશન અંગે પૂછપરછ કરતા સંબંધી વ્યક્તિ કોઈપણ પ્રકારના આધાર પુરાવા રજૂ કરી શક્યો નહોતો. જેના કારણે પોલીસને બોટ અંગે વધુ શંકા ઉભી થતાં બોટને શંકાસ્પદ મિલ્કત તરીકે કબ્જે લેવામાં આવી હતી.
પોલીસ દ્વારા અંદાજે રૂ. ૧ લાખની કિંમતની બોટ જપ્ત કરી બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉપરાંત સંબંધિત વ્યક્તિને બી.એન.એસ.એસ. કલમ ૩૫(૩) મુજબ નોટિસ પાઠવી આગળની પૂછપરછ અને તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર કાર્યવાહી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એચ. શીણોલના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. દેવજીભાઈ મહેશ્વરી, સુરજભાઈ વેગડા તેમજ પોલીસ હેડ કોન્સ્ટેબલ મુળરાજભાઈ ગઢવી, લીલાભાઈ દેસાઈ અને રાજેશભાઈ ગઢવીની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. દરિયાઈ સરહદી વિસ્તારોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા માટે પોલીસ દ્વારા આવી કાર્યવાહી વધુ તેજ બનશે તેવા સંકેતો મળી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar