ડીઝલની અછતથી કચ્છ સહિત ગુજરાતમાં ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા ખોરવાઈ, સરકાર સમક્ષ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ
કચ્છ, 21 મે (હિ.સ.) : સમગ્ર ગુજરાતમાં ઊભી થયેલી ડીઝલની અછત હવે કચ્છ સહિતના સરહદી અને પોર્ટ વિસ્તારોમાં ગંભીર ચિંતાનો વિષય બની રહી છે. ખાસ કરીને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પર તેની સીધી અને વ્યાપક અસર જોવા મળી રહી છે. રાજ્યભરના ટ્રક ઓપરેટરો અને પરિવહનકારોમા
ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા કરાયેલ અપીલ


ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા કરાયેલ અપીલ


ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા કરાયેલ apil


કચ્છ, 21 મે (હિ.સ.) : સમગ્ર ગુજરાતમાં ઊભી થયેલી ડીઝલની અછત હવે કચ્છ સહિતના સરહદી અને પોર્ટ વિસ્તારોમાં ગંભીર ચિંતાનો વિષય બની રહી છે. ખાસ કરીને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પર તેની સીધી અને વ્યાપક અસર જોવા મળી રહી છે. રાજ્યભરના ટ્રક ઓપરેટરો અને પરિવહનકારોમાં વધતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશને રાજ્ય સરકાર સમક્ષ તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ ઉઠાવી છે.

એસોસિએશન દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર પાઠવી રાજ્યમાં સર્જાયેલી ડીઝલની તંગી દૂર કરવા ત્વરિત પગલાં ભરવા રજૂઆત કરવામાં આવી છે.

અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ તેમજ પૂર્વ મંત્રી વાસણ આહીરે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ડીઝલનો પુરવઠો અપૂરતો રહેતા ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા ધીમે ધીમે ખોરવાઈ રહી છે. ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં આવેલા અનેક પેટ્રોલ પંપો પર ડીઝલ ઉપલબ્ધ ન હોવાના કારણે ટ્રક ચાલકો અને વાહન માલિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ડીઝલના અભાવે માલવહન સેવા પ્રભાવિત થતાં વેપાર અને ઉદ્યોગ જગતમાં પણ ચિંતા ફેલાઈ છે. કચ્છ જેવા પોર્ટ આધારિત જિલ્લામાં પરિવહન વ્યવસ્થા અર્થતંત્રની મુખ્ય કડી માનવામાં આવે છે, ત્યારે ડીઝલની અછતને કારણે બંદરો સુધી માલ પહોંચાડવામાં વિલંબ સર્જાઈ રહ્યો છે. પરિણામે આયાત-નિકાસ સાથે જોડાયેલા વેપારીઓ અને ઉદ્યોગકારો પર પણ તેની નકારાત્મક અસર પડી રહી છે.

ટ્રાન્સપોર્ટરોનું કહેવું છે કે હાલની પરિસ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહેશે તો આવનારા દિવસોમાં સપ્લાય ચેઇન પર ગંભીર અસર થઈ શકે છે. રોજિંદા ઉપયોગની ચીજવસ્તુઓના પરિવહનથી લઈને ઉદ્યોગોને જરૂરી કાચા માલની હેરફેર સુધી અનેક સેવાઓ મુશ્કેલીમાં મુકાઈ શકે છે.

ટ્રાન્સપોર્ટ સંગઠન દ્વારા રાજ્ય સરકારને અપીલ કરવામાં આવી છે કે અસરગ્રસ્ત જિલ્લાઓમાં પેટ્રોલિયમ કંપનીઓ મારફતે પૂરતો ડીઝલ જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે અને પુરવઠાની વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવે, જેથી ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા ફરીથી સામાન્ય બની શકે. હાલ સમગ્ર ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સરકારના તાત્કાલિક નિર્ણય તરફ આશાભરી નજરે જોઈ રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande