
અમરેલી, 21 મે (હિ.સ.) : સાવરકુંડલા ટાઉન પોલીસની ઝડપી કાર્યવાહી
અમરેલી જિલ્લાના સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા હત્યાના ગંભીર ગુનામાં પોલીસે ઝડપી કાર્યવાહી કરીને એક આરોપીને ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો. ભાવનગર રેન્જના આઈજીપી રાજેન્દ્ર અસારી તેમજ અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત દ્વારા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પકડવા માટે આપવામાં આવેલા માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
સાવરકુંડલા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક વિરલ ચંદનના માર્ગદર્શન અને ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ કે.બી. સોલંકીની સૂચના હેઠળ સર્વેલન્સ ટીમે ગુનો નં. 111930052260250/2026 હેઠળ કાર્યવાહી કરી હતી. પોલીસે જગદીશભાઈ ઉર્ફે જગો સુખાભાઈ પરમાર (ઉ.વ. 32), રહે. હાથસણી રોડ, સાવરકુંડલા ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ તપાસ મુજબ ફરિયાદી પોતાની પત્નીને તેડવા સસરાના ઘરે આવ્યો હતો ત્યારે આરોપીઓએ તેની પાસે પૈસાની માંગણી કરી હતી. ફરિયાદીએ ના પાડતાં આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા. એક આરોપીએ ફરિયાદીની આંખમાં મરચાની ભૂકી નાખી હતી, જ્યારે અન્ય આરોપીઓએ લોખંડના પાઇપ અને કુહાડી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ફરિયાદીને બંને હાથ અને પગમાં ગંભીર ઇજાઓ તથા ફ્રેક્ચર થતાં અંતે તેનું મોત નિપજ્યું હતું.
આ સમગ્ર કામગીરીમાં પીઆઈ કે.બી. સોલંકી, પીએસઆઈ એચ.એમ. અગ્રાવત, એએસઆઈ જીજ્ઞેશ અમરેલીયા સહિત પોલીસ સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai