
જામનગર, 21 મે (હિ.સ.) જામનગર જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવાની ઝુંબેશ અંતર્ગત મેઘપર(પડાણા) પોલીસે મોટી કાર્યવાહી કરી છે. NDPS (નશાકારક પદાર્થોની હેરાફેરી) ના ગંભીર ગુનામાં લાંબા સમયથી ફરાર પંજાબના એક આરોપીને પડાણા પાટીયા પાસેથી ઝડપી પાડવામાં આવ્યો છે.
મેઘપર(પડાણા) પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ક્વોડના સ્ટાફ મહિપાલસિંહ એલ. જાડેજા, લાખનસિંહ જી. જાડેજા અને ધર્મેન્દ્રસિંહ આર. ઝાલાને ખાનગી તેમજ ટેકનિકલ સોર્સિસ દ્વારા ચોક્કસ બાતમી મળી હતી. બાતમી મુજબ, મેઘપર(પડાણા) પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ નોંધાયેલા ગુનાનો મુખ્ય આરોપી ગુરજીતસિંઘ ઉર્ફે ગોરા લખબીરસિંઘ ખેહરા (રહે. પંજાબ) હાલ જામનગર-જામખંભાળીયા હાઇવે પર આવેલા પડાણા પાટીયા પાસે ઊભો હતો.ચોક્કસ બાતમી મળતા જ સર્વેલન્સ સ્ક્વોડની ટીમે તાત્કાલિક પડાણા પાટીયા પાસે પહોંચી વોચ ગોઠવી હતી. બાતમી મુજબનો આરોપી ત્યાં હાજર મળી આવતા પોલીસે તેને ચારેય તરફથી ઘેરીને સફળતાપૂર્વક ઝડપી લીધો હતો.પકડાયેલા પંજાબના આ આરોપી વિરુદ્ધ મેઘપર(પડાણા) પોલીસ સ્ટેશનના PI પી.ટી. જયસ્વાલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુનાના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt