
બોટાદ, 21 મે (હિ.સ.) : બોટાદ શહેરમાં સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતા જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ સહેલીની બહેનો દ્વારા આજરોજ માનવતાભર્યું સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. બોટાદના યોગીનગર પાસે આવેલી ઝુપડપટ્ટી વિસ્તારમાં વસવાટ કરતી જરૂરિયાતમંદ બહેનોને નવી સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ બાળકો અને સ્થાનિક લોકોને આઇસ્ક્રીમ ખવડાવી ખુશીની પળો વહેંચવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ સહેલીની બહેનો દ્વારા કુલ 25 નવી સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાડીઓ ખાસ કરીને લગ્ન પ્રસંગો કે શુભ પ્રસંગોમાં પહેરી શકાય તેવી પસંદ કરવામાં આવી હતી જેથી જરૂરિયાતમંદ બહેનોને ઉપયોગી બની રહે. સાડીઓ પ્રાપ્ત કરતા બહેનોના ચહેરા પર આનંદ અને સંતોષની લાગણી સ્પષ્ટ જોવા મળી હતી.
આ સેવા કાર્યમાં મીનાબેન પટેલનો વિશેષ સહયોગ રહ્યો હતો. હાલ તેઓ સુરતમાં નિવાસ કરે છે, પરંતુ જ્યારે પણ બોટાદ આવે છે ત્યારે જાયન્ટ્સ ગ્રુપ સહેલી સાથે જોડાઈ સેવાકીય પ્રોજેક્ટ લઈને આવે છે. આ વખતે પોતાના પૌત્ર હરીવંશ જાસોલિયાના જન્મદિવસ નિમિત્તે તેમણે અનોખી રીતે ઉજવણી કરી હતી. જન્મદિવસના અવસરે ઝુપડપટ્ટી વિસ્તારમાં રહેતા અંદાજે 40 જેટલા બાળકો તેમજ બહેનો અને ભાઈઓને આઇસ્ક્રીમ ખવડાવવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યક્રમમાં હેમલતાબેન દેસાઈ, સુજાતાબેન, દીનાબેન, મીનાબેન જાસોલિયા, બેલાબેન, નીતાબેન, સોનલબેન સહિત સહેલી ગ્રુપની બહેનો ઉપસ્થિત રહી સેવા કાર્યમાં જોડાઈ હતી. કાર્યક્રમ દરમિયાન બાળકો અને મહિલાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સમાજના વંચિત વર્ગ સુધી ખુશી પહોંચાડવાનો આ પ્રયાસ સર્વત્ર પ્રશંસનીય બન્યો હતો.
--------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA