
સુરત, 21 મે (હિ.સ.) : સુરત સહિત દેશભરમાં કાળઝાળ ગરમી વચ્ચે મહાનગર પાલિકા દ્વારા શહેરીજનોને પાણીની બચત કરવા માટે સુફિયાણી સલાહ આપવામાં આવી રહી છે ત્યારે તંત્રનાં પાપે જ સેંકડો લીટર પીવાનું પાણી સરેઆમ રસ્તા પર વેડફાઈ રહ્યું હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઉધના ખાતે પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા વહેલી સવારથી જ રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અલબત્ત, સાત મહિના અગાઉ આ જ સ્થળે પર વહીવટી તંત્ર દ્વારા સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું અને હવે પુનઃ આ જ સ્થળે ભંગાણ સર્જાતા પાલિકાની કામગીરી પર પણ પ્રશ્નાર્થ ઉઠવા પામ્યા છે.
શહેરનાં ઉધના ત્રણ રસ્તા ખાતે છેલ્લા ચાર દિવસથી પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું છે. ઉધના ઝોન કચેરીથી ગણતરીની મિનીટનાં અંતરે આવેલ આ સ્થળ સુધી પહોંચવામાં તંત્ર વામણું પુરવાર થઈ રહ્યું છે. એક તરફ શહેરમાં ભીષણ ગરમી વચ્ચે મહાનગર પાલિકા દ્વારા શહેરીજનોને પાણી બચાવવાની વાતો કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ તંત્રનાં પાપે જ સેંકડો લીટર પાણી રસ્તા પર વહેતું જોવા મળી રહ્યું છે. ઘટનાને કારણે સ્થાનિકો સહિત રસ્તા પરથી પસાર થતાં વાહન ચાલકો અને રાહદારીઓમાં પણ પાલિકાની નિંભર કામગીરી વિરૂદ્ધ ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સાત મહિના પૂર્વે આ જ સ્થળ પર રિપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી હોવા છતાં વધુ એક વખત ભંગાણ થતાં ભ્રષ્ટાચારની ગંધ ઉઠવા પામી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે