
પાટણ, 21 મે (હિ.સ.) : પાટણ જિલ્લાના સમી તાલુકાના માંડવી ગામ નજીક કેનાલ વિસ્તારમાં મધરાતે ત્રણ રોઝનો શિકાર કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. બે બ્લેક કલરની સેન્ટ્રો કારમાં આવેલા શિકારીઓએ બંદૂક વડે ફાયરિંગ કરી રોઝને નિશાન બનાવ્યા હતા.
ફાયરિંગનો અવાજ સાંભળતા સ્થાનિક ખેડૂતો અને રહીશો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક 112 પર પોલીસને જાણ કરી હતી. પોલીસ પહોંચતા જ શિકારીઓ અંધારાનો લાભ લઈ પોતાની ગાડીઓ છોડીને ફરાર થઈ ગયા હતા. વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન એક રોઝનું માસ કાપીને ગાડીમાં ભરેલું મળી આવ્યું હતું, જ્યારે અન્ય બે રોઝના મૃતદેહ પણ કબજે લેવામાં આવ્યા હતા.
વન વિભાગના અધિકારી ડી.એસ. સિંધવે જણાવ્યું હતું કે, ઘટનાની જાણ થતાં જ ટીમ સ્થળે પહોંચી હતી અને એક સેન્ટ્રો કાર સહિત મૃતદેહો કબજે લઈ આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે 1962 ટીમને જાણ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ