
પોરબંદર, 21 મે (હિ.સ.) : જૂનાગઢના કેશોદ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનની કલમ હેઠળ નોંધાયેલ ગુનાનો વોન્ટેડ આરોપી કુતિયાણાના ઈશ્વરીયા હોવાની બાતમીના આધારે પોલીસે પકડવા જતા આરોપીએ કારથી પોલીસ પર ગાડી ચડાવવાનો પ્રયત્ન કરી નાસી છૂટનાર આરોપી વિજય મગનભાઈ વિંઝુડાને ઝડપી પાડવામાં કુતિયાણા પોલીસને સફળતા મળી છે.
કુતિયાણા પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.ડી. વાળા સાથે સર્વલન્સ સ્ટાફના અધિકારીઓ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન જુનાગઢ કેશોદ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન સહિતની કલમ હેઠળ નોંધાયેલ ગુન્હામાં નાસ્તો-ફરતો આરોપી વિજય મગનભાઈ વિંઝુડા ઈશ્વરીયા પોતાના ઘરે આવ્યો હોવાની બાતમીના આધારે કુતિયાણા પોલીસ ઈશ્વરીયા પહોંચી હતી. આ દરમ્યાન આરોપી વિજયે બલેનો કાર લઈ ઈશ્વરીયા પ્રાથમીક શાળા પાસે રોડ પરથી નિકળતા પોલીસે તેને રોકવાનો પ્રયત્ન કરતા તે પોલીસને મારી નાખવાના ઈરાદે,બલેનો કાર ચડાવવાનો પ્રયત્ન કરી નાસી ગયો હતો જેથી કુતિયાણા પોલીસે આરોપી વિજય વિંઝુડા વિરુદ્ધ બી.એન.એસ.ની કલમ 109(1),132 મુજબનો દાખલ કર્યો હતો. કુતિયાણા પોલીસ સ્ટાફ આરોપીની તપાસમાં હતા તે દરમ્યાન આરોપી પોતાની બલેનો ફોરવ્હીલ કાર લઈને હામદપરા બાજુથી ગોકરણ બાજુ જતો હોવાની બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા આરોપી મળી આવ્યો હતો જેથી પોલીસે આરોપીને ઝડપી તેની ફોરવ્હીલ કાર ચેક કરતા તેમાંથી એક છરી મળી આવી હતી. કુતિયાણા પોલીસે આરોપી વિરુદ્ધ વધુ એક ગુનો દાખલ કરી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.કુતિયાણા પોલીસ દ્વારા કરાયેલ તપાસમાં આરોપી વિરુદ્ધ કુતિયાણા, ધોરાજી, જામજોધપુર, કેશોદ સહિતના પોલીસ સ્ટેશનમાં એક ડઝન જેટલા ગુના નોંધાયેલ હોવાનું જાણવા મળ્યું હતું. હાલ કુતિયાણા પોલીસે આરોપીની અટકાયત કરી કેશોદ પોલીસ સ્ટેશનને જાણ કરી આગળની તજવીજ હાથ ધરી છે.
આ કામગીરીમાં કુતિયાણા પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.ડી.વાળા, પોલીસ.હેડ.કોન્સ. વાય. એસ.વાળા, એ.એચ.જાડેજા, એચ.પી.વરૂ, પોલીસ કોન્સ. વિજય ખીમાણંદભાઈ ગાગીયા, અક્ષયકુમાર જગતસિંહ ઝાલા, અશ્વિન વેજાભાઈ વરૂ, ભરત ભોજાભાઈ ગોજીયા કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya