ગઢડાના માંડવધાર રોડ પર બાઈક, આઇસર અને કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત: બાઈક ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત
ભાવનગર, 21 મે (હિ.સ.) : બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં માંડવધાર રોડ પર આજે બાઈક, આઇસર અને ફોરવ્હીલ વાહન વચ્ચે ગંભીર ટ્રિપલ અકસ્માત સર્જાતા વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતની ઘટનાને પગલે થોડા સમય માટે માર્ગ પર વાહનવ્યવહાર પણ પ્રભાવ
ભાવનગર


ભાવનગર, 21 મે (હિ.સ.) : બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં માંડવધાર રોડ પર આજે બાઈક, આઇસર અને ફોરવ્હીલ વાહન વચ્ચે ગંભીર ટ્રિપલ અકસ્માત સર્જાતા વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતની ઘટનાને પગલે થોડા સમય માટે માર્ગ પર વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હતો અને લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

મળતી માહિતી મુજબ એક બાઈક ચાલક માંડવધાર રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક બાઈક, આઇસર અને ફોરવ્હીલ વાહન વચ્ચે જોરદાર અથડામણ સર્જાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતનો જોરદાર અવાજ સંભળાતા આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને રાહત કામગીરી હાથ ધરી હતી.

સ્થાનિક લોકોએ તરત જ 108 એમ્બ્યુલન્સ સેવાને જાણ કરી હતી. 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્તને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. અકસ્માતને કારણે માર્ગ પર થોડા સમય માટે ટ્રાફિક જામ જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી. પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચી વાહન વ્યવહાર સુચારૂ બનાવવાની કામગીરી હાથ ધરી હતી.

સદનસીબે આ ગંભીર અકસ્માતમાં કોઈ જાનહાનિ થવા પામી નહોતી, જેના કારણે સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે અકસ્માતની ઘટનાએ વાહનચાલકોમાં ચિંતા ઉભી કરી છે. સ્થાનિક લોકોએ માર્ગ પર વધતા ટ્રાફિક, વધુ ઝડપે વાહન ચલાવવાની ટેવ અને બેદરકારીને આવા અકસ્માતો માટે જવાબદાર ગણાવી વાહનચાલકોને સાવચેતીપૂર્વક વાહન હંકાવવાની અપીલ કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande