




- સત્તાનો દુરુપયોગ કરી વર્ષો જૂના વૃક્ષોનું નિકંદન કાઢ્યું
- લાકડા વેચી સરકારમાં જમા કરવાની જગ્યાએ પોતાના ખિસ્સા ભર્યા
- પર્યાવરણ મંત્રાલયનો નિયમ છે એક વૃક્ષ કપાય તેના પહેલા 10 વૃક્ષનો ઉછેર કરવો જરૂરી છે
ભરૂચ, 21 મે (હિ.સ.) : વાલિયા સ્થિત સરકારી આઇ.ટી.આઇ. કેમ્પસમાં પર્યાવરણને મોટું નુકસાન પહોંચાડતું એક ગંભીર કૌભાંડ સપાટી પર આવ્યું છે. સંસ્થાના જ ક્લાસ વન અધિકારી અને આચાર્ય દિવ્યેશ વાઘેલા દ્વારા પોતાના અંગત સ્વાર્થ અને લાલચમાં આવીને કેમ્પસમાં આવેલા વર્ષો જૂના અને ઘટાદાર વૃક્ષોને નિયમોને નેવે મૂકીને કાપી નાખવામાં આવ્યા હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. આ ઘટનાને પગલે સ્થાનિક પંથકમાં અને પર્યાવરણપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
વાલિયા આઇટીઆઈમાં ક્લાસ વન અધિકારીએ વૃક્ષો કાપી કર્યું મોટું કૌભાંડ દિવ્યેશ વાઘેલા વાલિયા આઇટીઆઈના છે આચાર્ય .પોતાના સ્વાર્થ માટે સત્તાનો દુરૂપયોગ કરી પર્યાવરણનું નિકંદન કાઢ્યું છે. 45 વૃક્ષ વર્ષો જુના કોઈપણ પરવાનગી વિના કપાવી નાખ્યા લાકડા વેચીને પોતાના ખિસ્સા ભરી લીધા. વર્ષોથી શીતળતા આપતા અને વટવૃક્ષ જેવા પરંતુ કાંટાળા વૃક્ષ હતા. વર્ષો જુના વૃક્ષ હોવાથી વાતાવરણમાં ખૂબ શુદ્ધતા રહેતી હતી.પર્યાવરણ મંત્રાલયનો નિયમ છે 1 વૃક્ષ કાપતા પહેલા 10 વૃક્ષનો ઉછેર કરી મોટા કરવા જરૂરી છે જેથી પર્યાવરણનું સંતુલન રહે.
વાલિયા આઇ.ટી.આઇ.ના કેમ્પસમાં દાયકાઓ જૂના વૃક્ષો આવેલા હતા, જેને કારણે સમગ્ર વિસ્તારના વાતાવરણમાં ખૂબ જ શુદ્ધતા અને હરિયાળી રહેતી હતી. આ વૃક્ષો સંસ્થાની શોભા સમાન હતા. પરંતુ સંસ્થાના જવાબદાર વર્ગ-1 (ક્લાસ વન) અધિકારી અને આચાર્યએ વિકાસના નામે પોતાની સત્તાનો બેફામ દુરુપયોગ કરી વિનાશ કર્યો છે. તેમણે કોઈપણ પ્રકારની વન વિભાગ અન્ય સરકારી મંજૂરી કે લીલી ઝંડી વિના જ આ કિંમતી લીલાછમ વૃક્ષો પર કુહાડી ચલાવી દીધી છે અને પર્યાવરણનું ક્રૂરતાપૂર્વક નિકંદન કાઢી નાખ્યું છે.
આ વૃક્ષોને કાપવા પાછળ આચાર્યનો માત્ર આર્થિક સ્વાર્થ છુપાયેલો હતો. પર્યાવરણની જાળવણી કરવાની જે અધિકારીની પ્રાથમિક ફરજ બને છે, તેમણે જ પોતાના અંગત આર્થિક ફાયદા માટે સરકારી મિલકત સમાન આ કિંમતી લાકડાં બારોબાર વેચી દીધા હતા અને લાકડાં વેચીને પોતાના ખિસ્સા ભરી લીધા હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે.
એક તરફ સરકાર પર્યાવરણ બચાવવા અને વધુમાં વધુ વૃક્ષો વાવવા માટે કરોડો રૂપિયાનો ધુમાડો કરીને 'ગ્રીન ગુજરાત' ના નારા લગાવે છે, ત્યારે બીજી તરફ સરકારી તંત્રના જ આવા ઉચ્ચ અધિકારીઓ પોતાના સ્વાર્થ માટે લીલાછમ વૃક્ષોનું નિકંદન કાઢી રહ્યા છે. વાલિયા ITI માં આચરવામાં આવેલા આ મોટા કૌભાંડ અંગે ઉચ્ચ સ્તરે તટસ્થ તપાસ થાય અને સત્તાનો દુરુપયોગ કરનાર આચાર્ય દિવ્યેશ વાઘેલા સામે કડકમાં કડક કાયદેસરના પગલાં ભરવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે.
પરવાનગી લેવી ફરજિયાત છે
કોઈપણ સરકારી, જાહેર કે ખાનગી જમીન (તમારી માલિકીની જમીન સહિત) પર રહેલા વૃક્ષને કાપતા પહેલા સક્ષમ અધિકારી (જેમ કે રેન્જ ફોરેસ્ટ ઓફિસર અથવા સ્થાનિક વન વિભાગ/મહાનગરપાલિકાની ટ્રી ઓથોરિટી) પાસે લેખિત મંજૂરી લેવી કાયદાકીય રીતે ફરજિયાત છે.
મંજૂરી વિના વૃક્ષ કાપવા પર દંડ (નિયમ ભંગ)
જો કોઈ વ્યક્તિ મંજૂરી વિના વૃક્ષ કાપે છે, તો તે 'ભારતીય વન અધિનિયમ' અને સ્થાનિક વૃક્ષ સંરક્ષણ કાયદા હેઠળ ગુનો બને છે.આ માટે કાયદાકીય જોગવાઈઓ મુજબ દંડ અને જેલની સજા બંને થઈ શકે છે. દંડની રકમ અને સજાની અવધિ જે-તે રાજ્ય અને વૃક્ષના પ્રકાર પર આધાર રાખે છે.
આ બાબતે વાલિયા આઈટીઆઈ ના આચાર્ય દિવ્યેશ વાઘેલાને પૂછતા જણાવેલ મને ખબર નથી ક્યારે ઝાડ કપાયા અને કેટલા કપાયા છે હું ટ્રેનિંગમાં છું .ચાર્જ નેત્રંગ આઈટીઆઈના આચાર્યને આપેલ છે . તેમને ટેલિફોનીક સંપર્ક કરતા કહેલ આ ઝાડી ઝાંખરા હતા મોટા કોઈ વૃક્ષ હતા નહીં જે અમે સાફ સફાઈ કરી છે.આમ બન્ને આચાર્યએ ગલ્લાંતલ્લાં કરી સ્વબચાવ કર્યો હતો .
વાલિયા વન વિભાગના ઇન્ચાર્જ આરએફઓ રોહિત વસાવાને પૂછતા જણાવેલ વાલિયા આઈટીઆઈની કોઈ ઝાડ કાપવા બાબતની અરજી આવેલ નથી .વૃક્ષ કાપવા માટે વન વિભાગની પરવાનગી જોઈએ જ આતો ઘણા જૂના વૃક્ષો કાપ્યા હશે તો તેની તપાસ કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ