પાટણમાં દહેજની માંગ સાથે પરિણીતાને ત્રાસ, પતિ સામે ફરિયાદ
પાટણ, 21 મે (હિ.સ.) : પલાસર ગામની હેતલબેન રાવળે પોતાના પતિ જગદીશભાઈ વરવાભાઈ રાવળ સામે ચાણસ્મા પોલીસ મથકે દહેજની માંગણી અને શારીરિક-માનસિક ત્રાસ અંગે ફરિયાદ નોંધાવી છે. હેતલબેનના લગ્ન વર્ષ 2013માં મોઢેરા ગામમાં થયા હતા. લગ્નના શરૂઆતના સમયમાં બધું સા
દહેજની માંગ સાથે પરિણીતાને ત્રાસ, પતિ સામે ફરિયાદ


પાટણ, 21 મે (હિ.સ.) : પલાસર ગામની હેતલબેન રાવળે પોતાના પતિ જગદીશભાઈ વરવાભાઈ રાવળ સામે ચાણસ્મા પોલીસ મથકે દહેજની માંગણી અને શારીરિક-માનસિક ત્રાસ અંગે ફરિયાદ નોંધાવી છે. હેતલબેનના લગ્ન વર્ષ 2013માં મોઢેરા ગામમાં થયા હતા. લગ્નના શરૂઆતના સમયમાં બધું સામાન્ય હતું, પરંતુ દીકરીના જન્મ બાદ પતિ નાની-નાની બાબતોમાં મારઝૂડ કરી ત્રાસ આપતા હતા. સાથે જ અપમાનજનક શબ્દો બોલી માનસિક પીડા પણ આપતા હતા.

ફરિયાદ મુજબ, આશરે પાંચ મહિના પહેલા પતિએ ઘરની લોન ભરવા માટે પિયરમાંથી 5 લાખ રૂપિયા લાવવા દબાણ કર્યું હતું. રૂપિયા ન લાવ્યે જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળો બોલી ઘરની બહાર કાઢી મૂક્યા હતા.

આ અંગે હેતલબેને પોતાના પિતા અને ભાઈને જાણ કરી હતી. સમજાવટ છતાં મામલો ઉકેલાયો નહોતો, જેથી અંતે ચાણસ્મા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે પતિ જગદીશભાઈ રાવળ વિરુદ્ધ BNSની કલમ 85, 296(B), 351(3), 115(2) તેમજ દહેજ પ્રતિબંધ અધિનિયમની કલમ 4 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande