
બોટાદ, 21 મે (હિ.સ.) : બોટાદ જિલ્લામાં ચાલી રહેલા ટી.બી મુક્ત ભારત અભિયાન 2.0 અંતર્ગત સમઢીયાળા-1 ખાતે આવેલ મંદબુદ્ધિ આશ્રમમાં આરોગ્ય તપાસ અને એક્સ-રે કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા યોજાયેલ આ કેમ્પનો મુખ્ય હેતુ આશ્રમમાં રહેતા માનસિક રીતે અશક્ત નાગરિકોના આરોગ્યનું નિરીક્ષણ કરી ટી.બી જેવા ચેપી રોગ અંગે સમયસર તપાસ અને સારવાર સુનિશ્ચિત કરવાનો હતો.
આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા ટી.બી સુપરવાઇઝરશ્રી તેમજ સબ સેન્ટર સમઢીયાળા-1 ના આરોગ્ય સ્ટાફે હાજરી આપી સમગ્ર કામગીરી સુચારૂ રીતે પૂર્ણ કરી હતી. કેમ્પમાં આશ્રમમાં રહેતા કુલ 83 જેટલા મંદબુદ્ધિ ધરાવતા પુરુષ અને સ્ત્રીઓના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. તેમાં ખાસ કરીને છાતીનું X-ray, ડાયાબિટીસ ચેકઅપ, બ્લડ પ્રેશર (બી.પી.) તેમજ BMI જેવી જરૂરી તપાસો કરવામાં આવી હતી.
આરોગ્ય કર્મચારીઓએ હાજર રહેલા તમામ લોકોને ટી.બી વિશે જાગૃતિ પણ ફેલાવી હતી અને ટી.બીના લક્ષણો, સમયસર નિદાન અને નિયમિત સારવાર અંગે માર્ગદર્શન આપ્યું હતું. આશ્રમના સંચાલકો અને સ્ટાફે પણ આરોગ્ય વિભાગની કામગીરીને સહકાર આપી કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન આશ્રમના રહેવાસીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આરોગ્ય વિભાગ દ્વારા સમાજના દરેક વર્ગ સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવાના પ્રયાસોને સ્થાનિક સ્તરે પ્રશંસા મળી રહી છે. ટી.બી મુક્ત ભારત અભિયાન અંતર્ગત આવા કેમ્પો દ્વારા વહેલી તકે રોગનું નિદાન થઈ શકે અને લોકોને સ્વસ્થ જીવન તરફ દોરી શકાય તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA