
અમરેલી, 21 મે (હિ.સ.) : ધારી શહેરની જીએન દામાણી હાઇસ્કૂલ ખાતે સંત શિરોમણી મુક્તાનંદ બાપુના જન્મદિવસ નિમિત્તે ગાયત્રી ફાઉન્ડેશન તથા વિશ્વ હિન્દુ પરિષદના સંયુક્ત ઉપક્રમે ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનો, સમાજસેવકો અને સ્થાનિક લોકોએ ઉત્સાહભેર ભાગ લઈ માનવસેવામાં પોતાનો મહત્વપૂર્ણ ફાળો નોંધાવ્યો હતો.
અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજના સહયોગથી યોજાયેલા આ રક્તદાન કેમ્પમાં વહેલી સવારથી જ રક્તદાતાઓની અવરજવર શરૂ થઈ ગઈ હતી. કેમ્પ દરમિયાન અનેક લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કરીને જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવદાતા બનવાનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે ધારીના ડી.સી.એફ વિકાસ યાદવ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ રક્તદાન કરીને સમાજ માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સેવાભાવી વાતાવરણ જોવા મળ્યું હતું.
કેમ્પને સફળ બનાવવા માટે ધારીના પત્રકાર અરવિંદ દવે સહિત ગાયત્રી ફાઉન્ડેશન અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. આયોજનને લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai