
સુરત, 21 મે (હિ.સ.) : શહેર સુરતનાં પુણા ગામમાં બંધ મકાનમાંથી રોકડ રકમ સહિત સોના - ચાંદીનાં ઘરેણાં મળી કુલ્લે 1.98 લાખ રૂપિયાનાં મુદ્દામાલની ચોરી થતાં મકાન માલિક દ્વારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ દ્વારા અજાણ્યા ઈસમ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર મુળ રાજસ્થાનનાં ઉદયપુર વતની અને સુરતમાં પુણા ગામ ખાતે આવેલ સુરભી સોસાયટીમાં રહેતા 35 વર્ષીય મનોહર સિંહ હિંમતસિંહ સિસોદીયા નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 17મી તારીખે તેઓ પરિવારજનો સાથે બહાર હોવાને કારણે અજાણ્યા ચોર ઈસમ ઘરનાં દરવાજાનું લોક તોડીને અંદર પ્રવેશ્યો હતો. ઘરમાં મુકેલ લોખંડનાં કબાટનું લોક તોડ્યા બાદ તેમાં રહેલા રોકડા રૂપિયા 1.10 લાખ સહિત 80 હજાર રૂપિયાની સોનાની ચેઈન અને ચાંદીનું બ્રેસલેટ મળી કુલ્લે 1.98 લાખ રૂપિયાની મત્તાની ચોરી કરી નાસી છૂટ્યો હતો. ઘટના અંગે પુણા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે