




અમરેલી ,22 મે (હિ.સ.) : પ્રથમ બે જ દિવસ માં 500 દર્દીઓએ લીધો લાભ
અમરેલી જિલ્લાના રાજુલા શહેર માટે આરોગ્યક્ષેત્રમાં ઐતિહાસિક ક્ષણ સર્જાઈ છે. શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ પરિવાર દ્વારા રાજુલા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના લોકો માટે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ 108 બેડની “મહાત્મા ગાંધી હોસ્પિટલ”નો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે. આ હોસ્પિટલનું લોકાર્પણ પ્રખ્યાત કથાકાર મોરારી બાપુ તથા ગુજરાતના મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.
હોસ્પિટલ શરૂ થતા જ સમગ્ર પંથકમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
રાજુલા શહેરમાં આરોગ્યસેવાઓ માટે લાંબા સમયથી મોટી હોસ્પિટલની જરૂરિયાત અનુભવાઈ રહી હતી. ખાસ કરીને ગંભીર બીમારીઓ માટે દર્દીઓને ભાવનગર, રાજકોટ અથવા અમદાવાદ સુધી જવું પડતું હતું. હવે આ નવી હોસ્પિટલ શરૂ થતાં સ્થાનિક લોકો માટે ઘરઆંગણે જ ગુણવત્તાસભર સારવાર ઉપલબ્ધ બની છે. હોસ્પિટલ સંપૂર્ણપણે સેવાભાવથી ચાલશે અને અહીં દર્દીઓ પાસેથી કોઈપણ પ્રકારની ફી લેવામાં આવશે નહીં. સાથે દર્દીઓને નિશુલ્ક ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
હોસ્પિટલના સંચાલક ડૉ. પ્રકાશ કટારિયાએ જણાવ્યું હતું કે તેઓ સાવરકુંડલાની લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાથે જોડાયેલા છે અને હવે રાજુલાની મહાત્મા ગાંધી હોસ્પિટલનું સંચાલન પણ તેમની ટીમ દ્વારા કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે આ હોસ્પિટલમાં આધુનિક ટેક્નોલોજી અને અનુભવી ડોક્ટરોની સેવાઓ સાથે દર્દીઓને શ્રેષ્ઠ સારવાર આપવામાં આવશે.
108 બેડની આ મલ્ટીસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં અનેક વિભાગો કાર્યરત કરવામાં આવ્યા છે. જેમાં મેડિસિન વિભાગ, સર્જરી વિભાગ, અદ્યતન આઈસીયુ, આધુનિક મોડ્યુલર ઓપરેશન થિયેટર, ગાયનેક વિભાગ, બાળરોગ વિભાગ, NICU લેવલ-3, પેથોલોજી વિભાગ, ઈમરજન્સી વિભાગ, જનરલ ઓપીડી, દાંતનો વિભાગ, ફિઝિયોથેરાપી વિભાગ, CP ચાઈલ્ડ વિભાગ, ડાયાલિસિસ વિભાગ, રેડિયોલોજી વિભાગ અને મેડિકલ સ્ટોર જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. હોસ્પિટલમાં દર્દીઓ તથા તેમના સગાસંબંધીઓ માટે ભોજનાલયની પણ નિશુલ્ક સેવા શરૂ કરવામાં આવી છે.
આ ઉપરાંત હોસ્પિટલમાં વિવિધ વિઝિટિંગ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની સેવાઓ પણ ઉપલબ્ધ રહેશે. જેમાં હાડકાના નિષ્ણાત, કેન્સર નિષ્ણાત, આંખના તબીબ, કાન-નાક-ગળાના નિષ્ણાત, રેડિયોલોજીસ્ટ, કિડની રોગ નિષ્ણાત અને યુરોલોજીસ્ટ જેવા નિષ્ણાતો સમયાંતરે સેવા આપશે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને મોટી શહેરોમાં ધક્કા ખાવાની જરૂરિયાત ઓછી થશે.
હોસ્પિટલ શરૂ થતા જ લોકોનો ભારે પ્રતિસાદ જોવા મળ્યો હતો. પ્રથમ જ દિવસે અંદાજે 500 જેટલા દર્દીઓએ ઓપીડી સેવા લીધી હતી. આટલી મોટી સંખ્યામાં દર્દીઓ પહોંચતા હોસ્પિટલ પ્રત્યે લોકોનો વિશ્વાસ સ્પષ્ટ જોવા મળ્યો હતો.
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે રાજુલા માટે આ હોસ્પિટલ આશીર્વાદ સમાન છે, કારણ કે હવે ગરીબ દર્દીઓને પૈસાની ચિંતા કર્યા વગર સારવાર મળી શકશે.
શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ પરિવાર દ્વારા શરૂ કરાયેલ આ સેવા કાર્ય સમગ્ર પંથક માટે માનવતાની અનોખી મિસાલ બની રહ્યું છે. આરોગ્ય જેવી મૂળભૂત જરૂરિયાતને સેવાભાવ સાથે જોડીને લોકો સુધી પહોંચાડવાનો આ પ્રયાસ અનેક દર્દીઓ માટે જીવનદાયી સાબિત થશે. રાજુલા શહેરમાં શરૂ થયેલી મહાત્મા ગાંધી હોસ્પિટલ હવે સમગ્ર અમરેલી જિલ્લામાં આરોગ્યસેવાનું નવું કેન્દ્ર બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai