પોરબંદર જિલ્લાની ધરતી પર પશુપાલન સાથે પર્યાવરણ અને બચતનો અનોખો સમન્વય.
પોરબંદર, 22 મે (હિ.સ.) પોરબંદર જિલ્લાના ઓડદર ગામના પ્રગતિશીલ પશુપાલક વિરાજ ભીખુભાઈ ઓડેદરા વર્ષોથી પરંપરાગત રીતે પશુપાલન અને ખેતીવાડીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમની પાસે પૂરતી સંખ્યામાં ગાય-ભેંસ જેવા દુધાળા પશુઓ હોવાના કારણે રોજિંદા ધોરણે મોટ
પોરબંદર જિલ્લાની ધરતી પર પશુપાલન સાથે પર્યાવરણ અને બચતનો અનોખો સમન્વય.


પોરબંદર જિલ્લાની ધરતી પર પશુપાલન સાથે પર્યાવરણ અને બચતનો અનોખો સમન્વય.


પોરબંદર, 22 મે (હિ.સ.) પોરબંદર જિલ્લાના ઓડદર ગામના પ્રગતિશીલ પશુપાલક વિરાજ ભીખુભાઈ ઓડેદરા વર્ષોથી પરંપરાગત રીતે પશુપાલન અને ખેતીવાડીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમની પાસે પૂરતી સંખ્યામાં ગાય-ભેંસ જેવા દુધાળા પશુઓ હોવાના કારણે રોજિંદા ધોરણે મોટા પ્રમાણમાં છાણ (ગોબર) એકત્રિત થતું હતું. ભૂતકાળમાં આ છાણનો યોગ્ય નિકાલ કરવો અને તેના ઉકરડાને વ્યવસ્થિત રાખવા એ એક મોટો પડકાર હતો. આ સાથે જ, રાંધણગેસ (LPG) ની ઝંઝટને કારણે તેમના ઘરનું બજેટ પણ પ્રભાવિત થતું હતું અને મોંઘા સિલિન્ડર પાછળ દર મહિને મોટો ખર્ચ કરવો પડતો હતો. વળી, ખેતીમાં વધુ ઉત્પાદન મેળવવા માટે બજારમાંથી મોંઘા રાસાયણિક ખાતરો ખરીદવા પડતા હતા, જે અંતે તો જમીનની ફળદ્રુપતાને નુકસાન પહોંચાડતા હતા.

વિરાજભાઈને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પોરબંદરની સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) ફેઝ-2 યોજના અંતર્ગત વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટનો લાભ મળ્યો અને સરકાર તરફથી મળેલી આર્થિક સહાય તેમજ માર્ગદર્શનના કારણે આ પ્લાન્ટ ખૂબ જ ટૂંકા સમયમાં તેમના રહેણાંક સ્થાને શરૂ થઈ ગયો. વિરાજભાઈના આ એક સાહસિક અને પ્રગતિશીલ નિર્ણયોએ તેમના પરિવારના જીવનધોરણમાં તેમજ તેમની ખેતી કરવાની પદ્ધતિમાં એક ક્રાંતિકારી અને હકારાત્મક પરિવર્તન આણ્યું છે.

ગોબરગેસ પ્લાન્ટ શરૂ થતાંની સાથે જ વિરાજભાઈના ઘરમાં રાંધણગેસના બાટલાનો વપરાશ સાવ નહિવત થઈ ગયો છે. પશુઓના છાણ અને પાણીના મિશ્રણથી પ્લાન્ટમાં કુદરતી રીતે ઉત્પન્ન થતો મિથેન ગેસ સીધો રસોડા સુધી પાઇપલાઇન દ્વારા પહોંચે છે, જેનાથી ચોવીસે કલાક વિનામૂલ્યે અને પૂરતા દબાણ સાથે ઇંધણ મળી રહે છે. આનાથી દર મહિને થતો ગેસ સિલિન્ડરનો મોટો ખર્ચ બચી ગયો છે, જે નાણાંનો ઉપયોગ હવે તેઓ પરિવારના અન્ય વિકાસલક્ષી કાર્યોમાં કરે છે.આ ઉપરાંત, પરંપરાગત ચૂલા અથવા અન્ય સાધનોથી થતા ધુમાડાથી પણ ઘરના સભ્યોને કાયમી મુક્તિ મળી છે. ધુમાડામુક્ત અને સ્વચ્છ રસોડાને કારણે પરિવારનું સ્વાસ્થ્યમાં પણ સુધારો થયો છે અને વાસણો કાળા થવાની પળોજણ પણ દૂર થઈ છે.

આ પ્લાન્ટનો સૌથી મોટો અને બીજો મહત્વનો ફાયદો એ છે કે ગેસ બન્યા પછી તેમાંથી નીકળતી 'સ્લરી' (પ્રવાહી સેન્દ્રીય ખાતર) વિરાજભાઈની ખેતી માટે સંજીવની સમાન સાબિત થઈ છે. આ પ્રવાહી ખાતર નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ જેવા પોષક તત્વોથી ભરપૂર હોવાથી વિરાજભાઈ તેનો સીધો ઉપયોગ પોતાના ખેતરમાં કરે છે. પરિણામે, જમીનની ભેજસંગ્રહ શક્તિ અને ફળદ્રુપતામાં અદભુત વધારો જોવા મળ્યો છે. મોંઘા રાસાયણિક ખાતરો પાછળ થતો ખર્ચ હવે સાવ શૂન્ય થઈ ગયો છે અને પાકનું ઉત્પાદન પણ ગુણવત્તાયુક્ત મળી રહ્યું છે. પશુઓના છાણનો સાચો અને વૈજ્ઞાનિક ઢબે નિકાલ થતાં ઘરની આસપાસ ગંદકી કે મચ્છરોનો ઉપદ્રવ પણ થતો નથી અને સમગ્ર આંગણું સ્વચ્છ અને સુંદર દેખાય છે.

પોતાના અનુભવો અને ખુશી વ્યક્ત કરતા વિરાજ ઓડેદરા જણાવે છે કે, છેલ્લા એક વર્ષથી અમે અમારા ઘરે ગોબરગેસ પ્લાન્ટ કાર્યરત કર્યો છે, જેનાથી અમને ઘણો મોટો ફાયદો થયો છે. આ પ્લાન્ટ નહોતો નાખ્યો તે પહેલાં અમારે ઘરે રાંધણગેસનો એક સિલિન્ડર પણ આખો મહિનો ચાલતો નહોતો, જ્યારે હવે અમારો આ ખર્ચ સાવ બચી ગયો છે.

વધુમાં વિરાજભાઈ જણાવે છે કે, સરકારની આ યોજના હેઠળ માત્ર રૂ. 5,000 ના સામાન્ય ખર્ચમાં અમારો આખો પ્લાન્ટ તૈયાર થઈ ગયો છે, બાકીની તમામ ફિટિંગ અને કીટ વગેરેની વ્યવસ્થા તદ્દન મફતમાં કરી આપવામાં આવી છે. આ પ્લાન્ટની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં છાણ નાખ્યા બાદ જે 'સ્લરી' (પ્રવાહી ખાતર) બહાર નીકળે છે, તેનો ઉપયોગ અમે સીધો અમારા ખેતરોમાં કરીએ છીએ. હાલમાં અમારે ત્યાં આ ગેસની મદદથી પરિવારના સાત સભ્યોની રસોઈ ખૂબ જ સરળતાથી બની જાય છે. પશુપાલકોને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવતી અને ખેતીમાં મોટો ફાયદો કરાવતી આ સુંદર કીટ તેમજ યોજનાનો લાભ આપવા બદલ હું સરકારનો દિલથી આભાર માનું છું.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande