
નવસારી, 22 મે (હિ.સ.) : નવસારીની પ્રાઈમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થીઓને મળતી નબળી સુવિધાઓ અને વહીવટી બેદરકારી સામે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ હોસ્ટેલમાં ગંદુ પાણી, વારંવાર પાણી-વીજળી બંધ રહેવાની સમસ્યા તેમજ પ્રાથમિક સુવિધાઓના અભાવ અંગે ગંભીર આક્ષેપો કર્યા. વિરોધ દરમિયાન કાર્યકર્તાઓએ ટ્રસ્ટીની ઓફિસમાં રોકડ રકમ ઉછાળી ભારે હોબાળો મચાવ્યો.
ABVPના જણાવ્યા મુજબ, કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ લાંબા સમયથી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.
હોસ્ટેલના વોટર કૂલરમાં જીવાતો જોવા મળતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ ફેલાયો છે. સાથે જ, પ્રેક્ટિકલ લેબમાં પૂરતા સાધનો ન હોવા અને નિયમિત પ્રેક્ટિકલ ન લેવાતા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં થવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.
વિદ્યાર્થીઓએ વધુમાં આરોપ લગાવ્યો કે ફરિયાદ કરવા જતાં કેટલાક પ્રોફેસરો દ્વારા ઇન્ટર્નલ પરીક્ષામાં નાપાસ કરવાની ધમકીઓ આપવામાં આવે છે. ઉપરાંત, ખાનગી એજન્ટો દ્વારા એડમિશન ફીના નામે રૂ. 10 થી 15 હજાર સુધીની ઉઘરાણી કરીને ખોટી રસીદો આપવાના મામલાઓ પણ સામે આવ્યા છે. ABVPએ આ સમગ્ર પ્રકરણમાં એજન્ટો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
સંગઠને કોલેજ પ્રશાસનને આવેદનપત્ર આપી 48 કલાકમાં તમામ પ્રશ્નોનો ઉકેલ લાવવા અલ્ટીમેટમ આપ્યું છે. મુખ્ય માંગણીઓમાં 24 કલાક શુદ્ધ પાણી અને વીજળી, જનરેટર સુવિધા, યોગ્ય લેબ ઉપકરણો, ફૂલ ટાઈમ વોર્ડન અને વિદ્યાર્થીઓને ધમકી આપતા સ્ટાફ સામે કાર્યવાહીનો સમાવેશ થાય છે. માંગણીઓ ન સંતોષાય તો મામલો ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ સુધી લઈ જઈ વધુ ઉગ્ર આંદોલનની ચીમકી ABVPએ ઉચ્ચારી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે