
દમણ, 22 મે (હિ.સ.) : દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવના માનનીય પ્રશાસક પ્રફુલ પટેલે શુક્રવારે દમણ જિલ્લામાં ચાલી રહેલી વિવિધ વિકાસ યોજનાઓનું સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન તેમણે નિર્માણાધીન એરપોર્ટ ટર્મિનલ તેમજ ૩૦૦ બેડેડ મારવડ હોસ્પિટલ પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરી હતી.
પ્રશાસકે સંબંધિત અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો પાસેથી પ્રોજેક્ટોની હાલની સ્થિતિ અંગે વિગતવાર માહિતી મેળવી હતી તેમજ તમામ કામો નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા સૂચના આપી હતી. તેમણે નિર્માણ કાર્યોમાં ઉચ્ચ ગુણવત્તા જાળવવા ખાસ ભાર મૂકતા જણાવ્યું હતું કે જનતાને વિશ્વસ્તરીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી પ્રશાસનની પ્રાથમિકતા છે.
નિર્માણાધીન એરપોર્ટ ટર્મિનલના નિરીક્ષણ દરમિયાન પ્રશાસકે મુસાફરોની સુવિધા, આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા સુરક્ષા ધોરણોને ધ્યાનમાં રાખી કામગીરી કરવાની સૂચનાઓ આપી હતી. જ્યારે ૩૦૦ બેડેડ મારવડ હોસ્પિટલ પ્રોજેક્ટના નિરીક્ષણ દરમિયાન આરોગ્ય સેવાઓને વધુ મજબૂત અને આધુનિક બનાવવા ગુણવત્તાસભર કામગીરી સુનિશ્ચિત કરવા ભાર મૂક્યો હતો.
પ્રશાસકે સંબંધિત વિભાગો અને એજન્સીઓને તમામ કાર્યોની નિયમિત મોનિટરિંગ રાખવા તેમજ પ્રોજેક્ટોને સમયબદ્ધ અને ગુણવત્તાપૂર્વક પૂર્ણ કરવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
પ્રશાસન દ્વારા જણાવાયું હતું કે આ મહત્વપૂર્ણ વિકાસ યોજનાઓ પૂર્ણ થયા બાદ વિસ્તારમાં આધારભૂત સુવિધાઓ વધુ મજબૂત બનશે તેમજ નાગરિકોને ઉત્તમ આરોગ્ય અને પરિવહન સેવાઓનો લાભ મળશે।
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha