
વાપી, 22 મે (હિ.સ.) : વાપીના છરવાડા રોડ વિસ્તારમાં રહેતા માત્ર ૫ વર્ષીય દેવિત શાહે નાની ઉંમરમાં જ એક ઐતિહાસિક સિદ્ધિ મેળવી સમગ્ર વાપી અને ગુજરાતનું નામ ગૌરવપૂર્ણ બનાવ્યું છે. દેવિતે માત્ર ૨ મિનિટ ૩૦ સેકન્ડમાં ૪૪.૮ મીટર સ્વિમિંગ પૂર્ણ કરીને અનોખો રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો છે. તેમની આ શાનદાર સિદ્ધિ બદલ તેમનું નામ “ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ”માં નોંધાયું છે.
આ સફળતા મેળવવા માટે દેવિતે સતત મહેનત, નિયમિત પ્રેક્ટિસ અને આત્મવિશ્વાસ સાથે સ્વિમિંગની તાલીમ લીધી હતી. આટલી નાની ઉંમરમાં આવી મોટી સિદ્ધિ હાંસલ કરવી દરેક માટે પ્રેરણારૂપ માનવામાં આવી રહી છે.
માહિતી મુજબ દેવિતને બાળપણથી જ સ્વિમિંગ પ્રત્યે વિશેષ રસ હતો અને પરિવારના સંપૂર્ણ સહકાર સાથે તેણે સતત અભ્યાસ ચાલુ રાખ્યો હતો. તેમની આ સિદ્ધિ બાદ પરિવારજનોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે, જ્યારે સમગ્ર વિસ્તારમાં લોકો દેવિતની પ્રશંસા કરી રહ્યા છે.
આજના સમયમાં જ્યાં બાળકો મોબાઈલ અને વીડિયો ગેમ્સમાં વધુ સમય વિતાવે છે, ત્યારે દેવિતે રમતગમત અને સ્વિમિંગ ક્ષેત્રે રેકોર્ડ બનાવી અન્ય બાળકો માટે સકારાત્મક ઉદાહરણ પૂરું પાડ્યું છે.
દેવિત શાહની આ સિદ્ધિ બદલ સ્થાનિક લોકો, સ્વિમિંગ કોચ તેમજ પરિવારજનોએ ગર્વ વ્યક્ત કરીને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha