
સુરત, 22 મે (હિ.સ.) : સુરતના પુણા વિસ્તારમાં ફરી એકવાર બાળ તસ્કરી અને બાળ મજૂરીનું ભયાનક નેટવર્ક સામે આવ્યું છે. રાજસ્થાન બાળ આયોગ અને સુરત પોલીસની સંયુક્ત ટીમે સીતારામ અને આસપાસની સોસાયટીઓમાં દરોડા પાડી 90થી વધુ બાળકોને મુક્ત કરાવ્યા હતા. આ બાળકોને જોખમી અને અમાનવીય પરિસ્થિતિમાં કાપડના કારખાનાઓમાં કામ કરાવવામાં આવતું હતું. મોટાભાગના બાળકો રાજસ્થાન, બિહાર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશમાંથી લાવવામાં આવ્યા હતા.
તપાસ દરમિયાન ખુલ્યું કે માનવ તસ્કરો ખાસ કરીને અનાથ અને અત્યંત ગરીબ પરિવારોના બાળકોને નિશાન બનાવતા હતા. કેટલાક બાળકોને મોટી રકમ લઈને સીધા વેચી દેવામાં આવતા, જ્યારે ગરીબ પરિવારોના બાળકોને “કોન્ટ્રાક્ટ” પર સુરત લાવી મજૂરી કરાવવામાં આવતી હતી. બાળકોના પગારમાંથી દર મહિને અંદાજે ₹2,000 જેટલું કમિશન એજન્ટો ઉઘરાવતા હોવાનું પણ સામે આવ્યું છે.
પોલીસ અને રાજસ્થાનની ઉદયપુર ટીમે છેલ્લા એક મહિનાથી સમગ્ર નેટવર્ક પર નજર રાખ્યા બાદ કાર્યવાહી કરી હતી. કુલ 100 જેટલા મકાનોમાં તપાસ દરમિયાન 27 મકાનોમાં બાળ મજૂરી ચાલતી હોવાનો પર્દાફાશ થયો હતો. બાળકોને નાની, અંધારી અને અસ્વચ્છ ઓરડીઓમાં રાખવામાં આવતા અને લાંબા કલાકો સુધી કામ કરાવવામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે.
ચોંકાવનારી વાત એ છે કે 2019માં પણ સુરતની સીતારામ સોસાયટીમાંથી 130થી વધુ બાળકોને રેસ્ક્યુ કરાયા હતા. સાત વર્ષ બાદ પણ એ જ વિસ્તાર બાળ તસ્કરી અને શોષણનું કેન્દ્ર બની રહ્યો છે, જે સ્થાનિક તંત્ર અને દેખરેખ પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે