
મહેસાણા, 22 મે (હિ.સ.) : ગુજરાતના વેપાર હબ તરીકે ઓળખાતી ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લઈ રાહત દરે નોટબુક અને ચોપડા વિતરણ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ સામાજિક જવાબદારી નિભાવતા APMC દ્વારા આ યોજના અમલમાં મુકાઈ છે.
કાર્યક્રમના પ્રારંભ પ્રસંગે ઊંઝા APMCના ચેરમેન દિનેશભાઈ પટેલ તેમજ સંસ્થાના ડિરેક્ટરગણ ઉપસ્થિત રહ્યા હતા. વધતી મોંઘવારી વચ્ચે મધ્યમ અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને શિક્ષણ માટે જરૂરી સામગ્રી સરળતાથી મળી રહે અને વાલીઓ પર આર્થિક બોજ ઓછો થાય તે હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
APMC દ્વારા બજાર ભાવ કરતાં ઘણાં ઓછા દરે ઉત્તમ ગુણવત્તાની નોટબુક અને ચોપડાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં નોટબુક ૧૭૦ રૂપિયા પ્રતિ ડઝન, મીડિયમ ચોપડા ૨૭૦ રૂપિયા પ્રતિ ડઝન અને A-4 સાઈઝ લોન્ગ બુક ૩૫૦ રૂપિયા પ્રતિ ડઝનના દરે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
ઊંઝા શહેર અને તાલુકાના વાલીઓ તથા વિદ્યાર્થીઓએ APMCની આ લોકહિતકારી કામગીરીને વખાણી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR